મહારાષ્ટ્રમાં નાસિક-મુંબઈ હાઈવે પર ગઈ કાલે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. ધુલેથી મુંબઈ જઈ રહેલા લોખંડના સળિયા ભરેલી ટ્રકને પાછળથી ટેમ્પોએ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયાં છે. જ્યારે 13 લોકો ઘાયલ થયા હતા.
આ ભયંકર અકસ્માત નાશિકના દ્વારકા ચોક ખાતેના ફ્લાયઓવર પર રવિવારે રાત્રે લગભગ 8 વાગ્યે થયો હતો. ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક છે. અકસ્માત બાદ ફ્લાયઓવર પર ટ્રાફિક જામ થયો હતો અને લગભગ પાંચ કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી.
મળતી માહિતી મુજબ લોખંડના સળિયા લઈને એક આઈશર ટ્રક ધુલેથી મુંબઈ તરફ જઈ રહી હતી. ત્યારે પાછળથી આવતા પીકઅપ ટેમ્પોએ આઇશરને ટક્કર મારી હતી. આ પછી વધુ એક સ્પીડમાં આવતા વાહન અકસ્માતગ્રસ્ત વાહનો સાથે અથડાયું હતું. આ ભયાનક અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે.
અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ફ્લાયઓવર પર પહોંચી ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોમાંથી ચાર લોકો હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ પામ્યા હતા. અકસ્માત બાદ ફ્લાયઓવર પર વાહનોની લાંબી કતારો લાગી જતાં હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
અકસ્માતમાં અતુલ માંડલિક, સંતોષ માંડલિક, દર્શન ઘરટે, યશ ઘરટેનું મોત થયું હતું. અન્ય મૃતકોના નામ જાણી શકાયા નથી. જ્યારે રાહુલ રાઠોડ (20), લોકેશ નિકમ (18), અરમાન ખાન (15) અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. મૃતકો મજૂર હોવાનું કહેવાય છે
આઇશર અને પીકઅપ વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બંનેને ભારે નુકસાન થયું હતું. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો સિડકોના સહ્યાદ્રિનગર વિસ્તારના રહેવાસી છે. તેઓ દર્શન માટે ટેમ્પોમાં નિફાડ તાલુકા ગયા હતા. પરત ફરતી વખતે દ્વારકા ચોકડી પર ફ્લાયઓવર પરથી નીચે ઉતરતી વખતે પાછળથી આવતી ટ્રક સાથે ટેમ્પો અથડાયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે