શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોટરસાયકલ લઈને આધેડને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં લોહીલુહાણ થયેલા આધેડને તાત્કાલિક સારવાર અર્થે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમણે દમ તોડી દેતા પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા સંદિપકુમાર લક્ષ્મણપ્રમોદ પાલ (ઉં.વ. 45) ગઈકાલે પોતાનું મોટરસાયકલ લઈને કોઈ કામ અર્થે નીકળ્યા હતા.
આ દરમિયાન વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયાના રોડ પરથી પસાર થતી વખતે કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેમના મોટરસાયકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં સંદિપકુમાર રોડ પર પટકાતા તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવને લઈ આસપાસના લોકોએ એકઠા થઈને ગંભીર રીતે ઘવાયેલા સંદિપકુમારને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને જોઈ-તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક કાગળો કરી સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તવધુ તપાસ હાથ ધરી છે.
