હિટ એન્ડ રન: હુડકો ચોકડી પાસે ટેમ્પોએ રિક્ષાને ઉલાળતા ચાલકનું મોત

શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં માર્કેટ યાર્ડથી શાકભાજી…

શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં માર્કેટ યાર્ડથી શાકભાજી ભરી શાપર જઈ રહેલા આધેડની રીક્ષાને હુડકો ચોકડી પાસે અજાણ્યા ટેમ્પો ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા રીક્ષા ચાલક આધેડનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં રહેતા વલ્લભભાઈ ઉર્ફે મુકેશભાઈ સીદીભાઈ ચૌધરી નામના 50 વર્ષના આધેડ બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં પોતાની રીક્ષા લઇ માર્કેટયાર્ડથી શાપર તરફ જઈ રહ્યા હતા ત્યારે હુડકો ચોકડી પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલા ટેમ્પો ચાલકે રીક્ષાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી ટેમ્પો ચાલક નાસી છૂટ્યો હતો. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વલ્લભભાઈ ઉર્ફે મુકેશભાઈ ચૌધરીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક વલ્લભભાઈ ઉર્ફે મુકેશભાઈ ચૌધરી મૂળ જુનાગઢના વતની હતા અને તેમને સંતાનમાં બે પુત્ર છે. મૃતક આધેડ રાજકોટ યાર્ડમાંથી શાકભાજી ભરી શાપર જઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા ટેમ્પો ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા સર્જાયેલા અકસ્માતમાં મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છુટેલા અજાણ્યા ટેમ્પો ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *