શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જ્યારે વધુ એક બનાવમાં જીવરાજ પાર્ક પાસે વસંત વાટીકામાં ઘરેથી આંટો મારવા બહાર નીકળેલા વૃધ્ધને અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વૃધ્ધનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જીવરાજ પાર્કની બાજુમાં આવેલા વસંત વાટીકામાં રહેતાં ગોવિંદભાઈ લુણાભાઈ આસોદરીયા નામના 69 વર્ષના વૃધ્ધ ચાલીને પોતાના ઘર નજીકથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે અજાણ્યા કાર ચાલકે વૃધ્ધને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ ઉપરાંત બીજી બનાવમાં મુળ સુરેન્દ્રનગર પંથકના વતની અને હાલ શહેરની ભાગોળે આવેલા સોખડા ગામે મેલડી માતાજીના મંદિરે અઢી વર્ષથી પુજા અર્ચના કરતાં વિપુલભાઈ મગનભાઈ પ્રજાપતિ (ઉ.50)નું શ્ર્વાસની બિમારી સબબ મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
