રાજ્યની સરકારી હોસ્પિટલમાં એનક તબીબ પોતાની કુનેહથી દર્દીઓની ઉત્તમ સારવાર-નિદાન અને સર્જરી કરી પોતાની ફરજ નિભાવતા હોય છે. ત્યારે આવા જ એક બનાવમાં કોણીની સર્જરી બાદ પણ દર્દીને અસહ્ય દુ:ખાવો થતો હોય જેથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતા ઓર્થોપેડિક તબીબ દ્વારા દર્દીની ટોટલ એલ્બો રિપ્લેસમેન્ટની સફળ સર્જરી કરી દર્દીને હાથ વાળવામાં પડતી મુશ્કેલીને કાયમીધોરણે દુર કરી હતી. સૌરાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં આ પ્રથમ સફળ સર્જરી કરી રાજકોટ સિવિલ હોસ્પિટલે ઐતિહાસિક સિધ્ધી મેળવી હતી.
પી.ડી.યુ. મેડિકલ કોલેજના ડીન ડો. ભારતી કે. પટેલ, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. મોનાલી માકડિયા તથા ઓર્થોપેડિક વિભાગના વડા ડો. શૈલેષ રામાવતના માર્ગદર્શન હેઠળ હાથના સુપર સ્પેશિયાલિસ્ટ ડો. પલ્લવ મહેતાએ આ અત્યંત જટિલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. દર્દીએ લગભગ અઢી મહિના અગાઉ અન્ય સ્થળે સર્જરી કરાવી હોવા છતાં સતત દુખાવો, કોણીની ગતિમાં ગંભીર મર્યાદા તથા દૈનિક જીવનની સામાન્ય પ્રવૃત્તિઓમાં મુશ્કેલી અનુભવતા હતા. ત્યારબાદ દર્દી પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવ્યા હતા. ડો. પલ્લવ મહેતાએ દર્દીનું વિગતવાર ક્લિનિકલ અને રેડિયોલોજિકલ મૂલ્યાંકન કરી સમસ્યાનું ચોક્કસ નિદાન કર્યું હતું.
દર્દીની સ્થિતિ અત્યંત પડકારજનક હતી. અગાઉની સર્જરી, કોણીના સાંધામાં થયેલા ગંભીર ફેરફારો તથા કાર્યક્ષમતામાં ઘટાડાને કારણે એલ્બો રિપ્લેસમેન્ટ જેવી ઉચ્ચ કક્ષાની અને તકનીકી રીતે જટિલ સર્જરી જરૂૂરી બની હતી. ડો. પલ્લવ મહેતા અને તેમની ટીમે અદ્યતન સર્જિકલ ટેકનિક્સ તથા આધુનિક ઇમ્પ્લાન્ટ્સનો ઉપયોગ કરીને સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
આ સર્જરીના પરિણામે દર્દીને દુખાવામાં નોંધપાત્ર રાહત, કોણીની ગતિશીલતામાં સુધારો, હાથની કાર્યક્ષમતાની પુન:પ્રાપ્તિ તથા જીવનની ગુણવત્તામાં વધારો થવાની આશા છે. હાલ દર્દી તબીબી દેખરેખ હેઠળ સંતોષકારક રીતે સ્વસ્થ થઈ રહ્યા છે.
આ પ્રસંગે ડો. પલ્લવ મહેતાએ જણાવ્યું કે, યોગ્ય નિદાન, સુનિયોજિત આયોજન અને અદ્યતન સર્જિકલ તકનીકોના ઉપયોગથી જટિલ કેસોમાં પણ ઉત્તમ પરિણામો મેળવી શકાય છે. પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને વિશ્વસ્તરીય અને આધુનિક ઓર્થોપેડિક સારવાર ઉપલબ્ધ કરાવવા માટે અમારી ટીમ સતત પ્રતિબદ્ધ છે. ડીન ડો. ભારતી પટેલે જણાવ્યું હતું કે પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ સતત નવી સારવાર પદ્ધતિઓ અને સુપર સ્પેશિયાલિટી સેવાઓ વિકસાવી રહી છે, જેથી સૌરાષ્ટ્રના દર્દીઓને અમદાવાદ અથવા અન્ય મહાનગરોમાં જવાની જરૂૂરિયાત ઓછી થાય અને પોતાના વિસ્તારમાં જ ગુણવત્તાસભર સારવાર મળી રહે. સુપ્રિટેન્ડેન્ટ ડો. મોનાલી માકડિયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલ દર્દી કેન્દ્રિત આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે અને ભવિષ્યમાં પણ આવી અનેક અદ્યતન સારવાર સુવિધાઓ શરૂૂ કરવામાં આવશે.
