જયપુર એરપોર્ટ પર વિમાન હાઇજેક થવાના એલર્ટ બાદ સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2030નું જયપુર એરપોર્ટ પર સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, આ વિમાન જર્મનીના ફ્રેન્કફર્ટથી દિલ્હી જઈ રહ્યું હતું. સવારે લગભગ 9 વાગ્યે અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ એટલે કે ATCને વિમાન અંગે એલર્ટ મળતાં જ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરવામાં આવી હતી. વિમાનના પાઇલટે થોડા સેકન્ડ માટે સ્ક્વોક-7500 કોડ જાહેર કર્યો હતો. ત્યારબાદ સવારે લગભગ 9.10 વાગ્યે ફ્લાઇટનો રૂટ બદલીને જયપુર કરવામાં આવ્યો. સવારે લગભગ 9.45 વાગ્યે તેને જયપુરમાં લેન્ડ કરાવવામાં આવી. ફ્લાઇટને હાલ આઇસોલેશન-બેમાં મોકલવામાં આવી છે. ઉડ્ડયન ક્ષેત્રમાં આ કોડનો ઉપયોગ વિમાન હાઇજેક થવાની અથવા વિમાન પર ગેરકાયદેસર કબજાની સ્થિતિનો સંકેત આપવા માટે થાય છે
વિમાન લેન્ડ થતાંની સાથે જ અલગ-અલગ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ તપાસ માટે અંદર પહોંચ્યા. હાલમાં વિમાનમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે તપાસના પરિણામની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ફ્લાઇટરડાર24 અનુસાર, વિમાને મંગળવારે સાંજે લગભગ 7:30 વાગ્યે ફ્રેન્કફર્ટથી ઉડાન ભરી હતી. તેને બુધવારે સવારે 4:15 વાગ્યે દિલ્હી પહોંચવાનું હતું, પરંતુ તે પહેલાં જ તેને જયપુર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું. જોકે, પાઇલટે સ્ક્વોક-7500 કોડ શા માટે જાહેર કર્યો હતો અને એલર્ટ પાછળનું ચોક્કસ કારણ શું હતું, તે અંગે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.
