ગુજરાતમાં હાઇવેની ડિઝાઇન બદલાશે, વાહનોની સંખ્યા મુજબ લેન વ્યવસ્થા

ગુજરાતમાં આગામી સમયમાં બનનારા નેશનલ હાઈવેની ડિઝાઈન હવે વર્તમાન નહીં પરંતુ ભવિષ્યના ટ્રાફિક ભારણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)…

ગુજરાતમાં આગામી સમયમાં બનનારા નેશનલ હાઈવેની ડિઝાઈન હવે વર્તમાન નહીં પરંતુ ભવિષ્યના ટ્રાફિક ભારણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા એક્સપ્રેસવે સિવાયના હાઈ-સ્પીડ, એક્સેસ-કંટ્રોલ્ડ નેશનલ હાઈવે માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન તમામ 4 અને 6 લેનના ગ્રીનફિલ્ડ તેમજ બ્રાઉનફિલ્ડ હાઈવે પર લાગુ પડશે.
નવી વ્યવસ્થામાં માર્ગની લેન અને કોરિડોરની પહોળાઈ વાહનોના સંભવિત પ્રવાહને આધારે નક્કી કરવામાં આવશે. ગુજરાત માટે આ માર્ગદર્શિકા ખાસ મહત્વની છે, કારણ કે રાજ્ય માટે મંજૂર થયેલો થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ હાઈ-સ્પીડ કોરિડોર પણ આ માળખામાં આવે છે.

NHAIની નવી ગાઈડલાઈનનો મુખ્ય હેતુ ભવિષ્યમાં વધનારા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને હાઈવેનું આયોજન કરવાનો છે. માર્ગદર્શિકા મુજબ દરરોજ આશરે 15 હજાર સુધીના વાહન પ્રવાહ માટે 4 લેન હાઈવેની જોગવાઈ રાખવામાં આવશે. જ્યારે વધુ ટ્રાફિક ધરાવતા માર્ગો માટે 6 લેનની વ્યવસ્થા કરવામાં આવશે. ખાસ કરીને 25 હજારથી 40 હજાર સુધીના વાહન પ્રવાહ ધરાવતા કોરિડોરમાં 6 લેન હાઈવેનું આયોજન કરાશે. વધુ ટ્રાફિક હોય તેવા કોરિડોરમાં પહોળાઈ પણ વધારવામાં આવશે અને કેટલીક સ્થિતિમાં 70 મીટર સુધીનો કોરિડોર રાખવાની જોગવાઈ રહેશે. આ ઉપરાંત એરપોર્ટ, બંદર અને ઔદ્યોગિક વિસ્તારો સાથે જોડાણ માટે ઇન્ટરચેન્જ તથા રેમ્પનું સુવ્યવસ્થિત આયોજન કરવાનું રહેશે. ગુજરાત માટે સૌથી મહત્વની બાબત એ છે કે કેન્દ્ર સરકારે મંજૂર કરેલો થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ 214 કિલોમીટર લાંબો 6 લેન હાઈ-સ્પીડ કોરિડોર પણ નવી માર્ગદર્શિકાના સંદર્ભમાં મહત્વ ધરાવે છે.

અંદાજે રૂૂ. 10,534 કરોડના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટથી અમૃતસર-જામનગર કોરિડોર અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે વચ્ચે સીધી કનેક્ટિવિટી વધુ સુગમ બનશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ થરાદ અને અમદાવાદ વચ્ચેનું અંતર આશરે 20 ટકા ઘટવાની ધારણા છે, જ્યારે મુસાફરીના સમયમાં પણ આશરે 60 ટકા સુધીનો ઘટાડો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે આ કોરિડોર ઝડપી પરિવહન અને કનેક્ટિવિટીના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ બની શકે છે.

નવી ગાઈડલાઈન હેઠળ માત્ર રસ્તાની લેન વધારવા પર જ નહીં પરંતુ હાઈવેની સુરક્ષા અને એક્સેસ કંટ્રોલ પર પણ ભાર મૂકાયો છે. હાઈવેની બહારની ધાર પર એક મીટર ઊંચી બાઉન્ડ્રી વોલ બનાવવાની જોગવાઈ રહેશે. તેનો હેતુ અનધિકૃત પ્રવેશ, દબાણો અને રખડતાં પશુઓને હાઈવે પર પ્રવેશતા અટકાવવાનો રહેશે. હાઈવે સાથે જોડાતા માર્ગો માટે પણ નિયંત્રિત પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત અકસ્માતનું જોખમ ઘટાડવા અને વાહનવ્યવહારને સરળ બનાવવા ઇન્ટરચેન્જ અને રેમ્પનું વૈજ્ઞાનિક આયોજન કરાશે.

ટોલ પ્લાઝા પર અટક્યા વિના ફ્રી-ફ્લો મુસાફરી
નવી વ્યવસ્થામાં હાઈવે પર મલ્ટી-લેન ફ્રી-ફ્લો ટોલિંગ સિસ્ટમ લાગુ કરવાનો પણ સમાવેશ થાય છે. આ વ્યવસ્થાથી વાહનચાલકોને પરંપરાગત ટોલ પ્લાઝા પર અટકવાની જરૂૂરિયાત ઘટશે અને વાહનો સતત ગતિ સાથે આગળ વધી શકશે. સાથે જ હાઈવેના ડ્રેનેજ નેટવર્ક પર વિશેષ ધ્યાન આપવામાં આવશે, જેથી ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઘટાડી શકાય. પર્યાવરણને ધ્યાનમાં રાખીને હાઈવેની આસપાસ ગ્રીન કોરિડોર વિકસાવવા પર પણ ભાર મૂકવામાં આવશે. આમ,NHAIની નવી ગાઈડલાઈન હેઠળ ગુજરાતમાં બનનારા હાઈવે માત્ર આજના ટ્રાફિક માટે નહીં પરંતુ આગામી વર્ષોમાં વધનારા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને તૈયાર કરવાની દિશામાં મહત્વનું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *