શિવરાજપુર બીચ અને પોશિત્રા ડોલ્ફિન જોવા માટે ‘બેસ્ટ સ્પોટ’

ઓખાથી નવલખી સુધીના દરિયામાં 498 સહિત ગુજરાતના કાંઠે કુલ 680 થી વધુ ડોલ્ફિન નોંધાઈ વન્યજીવોની સાથે સાથે સૌથી સુંદર અને આકર્ષક જળચર એવા ‘ડોલ્ફિન’ના સંરક્ષણ-સંવર્ધનમાં…

ઓખાથી નવલખી સુધીના દરિયામાં 498 સહિત ગુજરાતના કાંઠે કુલ 680 થી વધુ ડોલ્ફિન નોંધાઈ

વન્યજીવોની સાથે સાથે સૌથી સુંદર અને આકર્ષક જળચર એવા ‘ડોલ્ફિન’ના સંરક્ષણ-સંવર્ધનમાં ગુજરાતે મહત્વનું યોગદાન આપ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જળચર- વન્ય જીવ સંરક્ષણ અને સંવર્ધનના વિશેષ પ્રયાસોના પરિણામે વર્ષ-2025ની છેલ્લી ગણતરી મુજબ ગુજરાતના 4,087 ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680થી વધુ ડોલ્ફિન નોંધાઈ છે, ત્યારે જળચર તેમજ વન્યજીવ પ્રવાસન ક્ષેત્રે પણ ગુજરાતે હરણફાળ ભરી છે. ગુજરાતના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ એવા શિવરાજપુર અને પોશિત્રાનો દરિયાકિનારો ડોલ્ફિન માટે ‘બેસ્ટ સ્પોટ’ તરીકે પણ ઓળખાય છે. અહીં પાણી ખૂબ જ સ્વચ્છ હોવાથી ડોલ્ફિન સરળતાથી દેખાઈ આવે છે. તેમ,વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

મંત્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સીધા માર્ગદર્શનમાં છેલ્લા 12 વર્ષમાં દરિયા કિનારે મેન્ગ્રુવની સાથે સાથે ગુજરાતમાં જળચર પ્રાણીઓના સંરક્ષણની સાથે તેમના વસવાટ-વિકાસ માટે અનેકવિધ સંયુક્ત પ્રયાસો વન વિભાગે હાથ ધર્યા છે. કચ્છના અખાતના દક્ષિણી ભાગમાં આવેલા મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીના, ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા 1,384 ચો.કિ.મીનીના વિસ્તારમાં સૌથી વધુ 498 ડોલ્ફિન હોવાની સંભાવના છે. જ્યારે કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના 1,821 ચો.કિ.મી.માં 168, ભાવનગરના 494 ચો.કિ.મી.માં 10 તેમજ મોરબીના 388 ચો.કિ.મી.માં ચાર ડોલ્ફિન જોવા મળી છે. આમ,કચ્છના અખાતમાં આવેલો આ ભારતનો પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ડોલ્ફિનનું મુખ્ય ઘર છે.

મંત્રીએ કહ્યું હતું કે, ‘સ્વસ્થ ઇકોસિસ્ટમ માટે ડોલ્ફિન ખુબ જ મહત્વનું જળચર પ્રાણી’ છે.સમુદ્રી દરિયાઇ સસ્તન પ્રાણીઓના કેટલાક ટોચના શિકારી આહાર શ્રૃંખલામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને સમુદ્રી ઇકોસિસ્ટમમાં સંતુલન સુનિશ્ચિત કરવામાં પણ મદદ કરે છે.આ ડોલ્ફિનને બચાવવામાં કચ્છથી ભાવનગર સુધી દરિયામાં માછીમારી કરતા માછીમાર ભાઈઓનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે. આ સર્વગ્રાહી પ્રયાસોના પરિણામે ગુજરાતના દરિયા કિનારે જોવા મળતી ડોલ્ફિન દેશ – વિદેશના પ્રવાસીઓ માટે નવું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. ડોલ્ફિન એ લુપ્ત થતી પ્રજાતિઓમાં સામેલ હોવાથી ડોલ્ફિનનો શિકાર કે નુકશાન પહોંચાડવું તે બિન-જામિનપાત્ર ગુનો છે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

ગુજરાતમાં બે પ્રકારની ડોલ્ફિનની વસ્તી
ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં મુખ્યત્વે ઇન્ડો-પેસિફિક હમ્પબેક ડોલ્ફિન તેમજ બોટલનોઝ ડોલ્ફિનએમ બે પ્રકારની ડોલ્ફિન સૌથી વધુ જોવા મળે છે. હમ્પબેક ડોલ્ફિન વધારે પ્રમાણમાં અરબી સમુદ્રમાં મળી આવે છે, તેને વિશિષ્ટ ખૂંધ અને વિસ્તરેલી ડોર્સલ ફિન એટલે કે, પૂંછડીથી ઓળખી શકાય છે. ડોલ્ફિન તેમના મૈત્રીપૂર્ણ અને જિજ્ઞાસુ સ્વભાવ માટે જાણીતી છે. ડોલ્ફિન ઘણીવાર લહેરોમાં કૂદતી અને રમતી જોવા મળે છે, જે પ્રવાસીઓને તેમના એક્રોબેટિક પ્રદર્શનથી આનંદિત કરી મૂકે છે. તેમનું શરીર આકર્ષક અને મોઢાનો આકાર ‘બોટલ’ જેવો હોવાથી તેમને સરળતાથી ઓળખી શકાય તેવી બનાવે છે. ડોલ્ફિનનો મુખ્ય ખોરાક માછલીઓ અને કરચલા, જિંગા હોવાથી દરિયાકિનારા અને નદીમુખો પાસે જોવા મળે છે. હમ્પબેક ડોલ્ફિન સામાન્ય રીતે 2.5 થી 3.2 મીટર લાંબી હોય છે અને તેમનું વજન 150 થી 250 કિલોગ્રામ સુધી હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *