આમ આદમી પાર્ટી (AAP)એ દાવો કર્યો છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને દિલ્હી એરપોર્ટ પર ત્રણ કલાક સુધી રોકવામાં આવ્યા હતાં.
AAPના જણાવ્યા અનુસાર, પેરિસથી પરત ફર્યા બાદ અધિકારીઓએ ભગવંત માનને દિલ્હી એરપોર્ટ પર ત્રણ કલાક રોક્યા હતા અને 50 હજાર રૂપિયાનું ચલાન પણ કાપ્યું હતું. અધિકારીઓએ તેની પાછળ ઉપરથી ભારે દબાણ હોવાની વાત કહી.
પેરિસથી પરત ફરતી વખતે મોડી રાત્રે દિલ્હી એરપોર્ટ પર અટવાઈ ગયા હતા. પાર્ટીના મીડિયા ઇન્ચાર્જ બલતેજ પન્નુએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભગવંત માન પંજાબના ઉત્પાદનોના પ્રચાર માટે પેરિસ ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા ત્યારે તેમને એરપોર્ટ પર રોકી રાખવામાં આવ્યા હતા.
દિલ્હીના પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે X પર પોસ્ટ કરીને કહ્યું કે જેમ દશેરા પર રાવણનું ઘમંડ ખતમ થયું હતું, તેમ કેન્દ્ર સરકારનું અહંકાર પણ તૂટવું જોઈએ.

માન પેરિસમાં 17થી 21 ઓક્ટોબર દરમિયાન ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ફૂડ ટ્રેડ એક્ઝિબિશન SIAL પેરિસ 2026માં સામેલ થયા હતા. કેન્દ્રના મનસ્વી નિર્ણયને પડકારતી પંજાબ સરકારની અરજી પર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની મંજૂરી બાદ તેઓ પેરિસ ગયા હતા.
કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા બલતેજ પન્નુએ કહ્યું, “વડાપ્રધાન પંજાબના લોકોનું અપમાન કરવાની એક પણ તક ચૂકતા નથી. મુખ્યમંત્રી ભગવંત માનને રાત્રિ દરમિયાન દિલ્હી એરપોર્ટ પર ત્રણ કલાક સુધી રોકી રાખવામાં આવ્યા હતા. આની પાછળનું મુખ્ય કારણ એ હતું કે, વડાપ્રધાનના વિરોધ છતાં – કોર્ટના આદેશનું પાલન કરીને – તેઓ પેરિસ ગયા હતા, જેનાથી સરકાર નારાજ હતી. એટલું જ નહીં, તેમના પર 50,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.”
પોતાનો રોષ વ્યક્ત કરતા, પંજાબ AAP ના મહાસચિવ અને મીડિયા ઇન્ચાર્જ બલતેજ પન્નુએ કહ્યું, “પહેલા તો તેમણે મુખ્યમંત્રી ભગવંત માનની વિદેશ યાત્રામાં અવરોધો ઊભા કર્યા અને પછી જ્યારે તેઓ પંજાબ પરત ફર્યા ત્યારે પણ આવું જ કર્યું – અને આ બધું કોઈ પણ યોગ્ય કારણ વગર કરવામાં આવ્યું. તેમણે ભારતીય દૂતાવાસના અધિકારીઓને એવી સૂચના પણ આપી હતી કે મુખ્યમંત્રીને મળવાપાત્ર સન્માન અને પ્રોટોકોલ આપવામાં ન આવે. વધુમાં, પરત ફર્યા ત્યારે તેમને ત્રણ કલાક સુધી હેરાન કરવામાં આવ્યા અને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો – જે કૃત્યને પાછળથી ‘દબાણ’ના બહાના હેઠળ વાજબી ઠેરવવાનો પ્રયાસ કરાયો. આ બધું માત્ર એટલા માટે થયું કારણ કે ભગવંત માન પંજાબના મુખ્યમંત્રી છે.”
પન્નુએ વધુમાં ઉમેર્યું, “તેમણે ખેડૂતોને દોઢ વર્ષ સુધી સરહદો પર અટકાવી રાખ્યા અને પંજાબ માટે ફાળવવામાં આવેલા વિવિધ ભંડોળને રોકી રાખ્યા. એટલું જ નહીં, પંજાબના મુખ્યમંત્રીને વિદેશ પ્રવાસ કરવાની પરવાનગી એક વાર નહીં, પરંતુ ચાર વખત નકારવામાં આવી હતી. કેન્દ્ર સરકાર નથી ઈચ્છતી કે પંજાબના મુખ્યમંત્રી રાજ્યના કલ્યાણ માટે વિદેશી ભંડોળ મેળવી શકે.”
પક્ષના એક નેતાએ જણાવ્યું, “હાઈકોર્ટના નિર્દેશો બાદ મુખ્યમંત્રી માન વિદેશ પ્રવાસે ગયા હતા; કોર્ટે સ્પષ્ટપણે નોંધ્યું હતું કે તેઓ સ્થાપિત પ્રોટોકોલ મુજબ આગળ વધી શકે છે. આમ છતાં, ત્યાંના અધિકારીઓ તેમને મળવા પણ આવ્યા ન હતા. પંજાબના મુખ્યમંત્રી પેરિસ ગયા હતા જેથી વિશ્વના બીજા સૌથી મોટા ફૂડ ફેસ્ટિવલમાં પંજાબના ઉત્પાદનો રજૂ કરી શકાય—તેઓ ત્યાં રાજ્યના રાજમા અને છોલેને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરવા ગયા હતા.”
આમ આદમી પાર્ટી (AAP)ના મીડિયા ઇન્ચાર્જે આક્ષેપ કર્યો કે પંજાબના મુખ્યમંત્રીને કોઈ પણ યોગ્ય કારણ વગર એરપોર્ટ પર ત્રણ કલાક સુધી રોકી રાખવામાં આવ્યા હતા. તેમને રોકી રાખવા માટે વિવિધ બહાના કાઢવામાં આવ્યા હતા—જેમ કે તેમનો સામાન આવવામાં વિલંબ થયો છે, સામાન આવી રહ્યો છે, અથવા સામાનની તપાસ ચાલી રહી છે. ત્રણ કલાક પછી, જ્યારે તેમને જવાની પરવાનગી આપવામાં આવી, ત્યારે એક અધિકારીએ આવીને કહ્યું કે તેઓ ભારે દબાણ હેઠળ છે, અને સાથે જ ઉમેર્યું કે હવે તેમની સામે કેસ દાખલ કરવામાં આવશે અને દંડ ફટકારવામાં આવશે. ત્યારબાદ, ૫૦,૦૦૦નો દંડ લાદવામાં આવ્યો. શું અગાઉ ક્યારેય એવું બન્યું છે કે કોઈ રાજ્યના મુખ્યમંત્રીને એરપોર્ટ પર ત્રણ કલાક સુધી રોકી રાખવામાં આવ્યા હોય અને દંડ ફટકારવામાં આવ્યો હોય? આ માત્ર એટલા માટે થયું કારણ કે તેઓ પંજાબના મુખ્યમંત્રી છે, એક પંજાબી છે, અને પંજાબની ભલાઈ માટે કામ કરવા માંગે છે. કેન્દ્ર સરકાર નથી ઈચ્છતી કે પંજાબ કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ કરે.
