રાજકોટ મહાનગરપાલિકા શહેરના વિકાસલક્ષી પ્રોજેક્ટને સમયસર પુર્ણ કરવાની દીશામાં વધુ એક હાઇટેક કદમ ભરવા જઇ રહી છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ(પીએમયુ) નામની આધુનિક હાઇટેક સિસ્ટમની મદદથી જે તે પ્રોજેક્ટ ક્યા પહોંચ્યો? નિર્ધારિત સમયથી કામ મોડુ ચાલે છે કે સમયસર? એ સહિતની માહિતી ઓન-ધી-સ્પોટ આંગળીના ટેરવે મ્યુનિ.કમિશનર જાણી શકશે. સંભવત આગામી દશેરા પર આ મહત્વકાંક્ષી ટેકનોલોજી પ્રોજેક્ટ યુનિટનું લોન્ચીંગ કરવાની તૈયારી મનપાએ કરી છે. કમિશનર તુષાર સુમેરાના જણાવ્યા મુજબ જે પ્રોજેક્ટ ચાલુ હશે એ પ્રોજેકટના રોજેરોજના કામના અપડેટ્સ સાથે દરેક પ્રોજેક્ટનું રેંકિંગ પણ આ સોફ્ટવેર બેઈઝ મોનિટરીંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાનો આવો પ્રોજેક્ટ દેશભરમાં પ્રથમ હોવાનું અને આ પાયલટ પ્રોજેક્ટ ટેકનોલોજી ક્ષેત્રે રાજકોટ મહાનગરપાલિકાની એક આગવી ઓળખ બની જવાનો વિશ્ર્વાસ કમિશનર સુમેરા એ વ્યક્ત કર્યો છે.
દ્વારા શહેરમાં ચાલી રહેલા વિવિધ માળખાકીય અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની ઝડપી અને ગુણવત્તાયુક્ત કામગીરી માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (પીએમયુ) કાર્યરત કરવામાં આવ્યું છે. આ યુનિટનો મુખ્ય ઉદ્દેશ્ય સ્માર્ટ સિટી મિશન, ફ્લાયઓવર બ્રિજ, અમૃત યોજના, ડ્રેનેજ સિસ્ટમ અને આવાસ યોજનાઓ જેવા મોટા પ્રોજેક્ટ્સનું ચોક્કસ આયોજન અને સમયસર મોનિટરિંગ કરવાનો છે. આ યુનિટ દ્વારા હવે શહેરના વિકાસ કાર્યોનું મેનેજમેન્ટ યોગ્ય રીતે થાય તે માટે સોફ્ટવેર મોનિટરીંગ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. દેશના આ સૌથી પ્રથમ સોફ્ટવેર મોનિટરીંગ સિસ્ટમનો દશેરાથી પ્રારંભ થશે તેમ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા એ કહ્યું હતું.
હાલમાં આ સિસ્ટમ પ્રાયોગિક ધોરણે કાર્યરત કરી દેવામાં આવી છે અને તેમાં સફળતા મળી હોય હવે દશેરાથી આ અત્યાધુનિક ટેકનોલોજી સિસ્ટમ રાજકોટવાસીઓને સમર્પિત કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ કહ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા ચૂંટણી પહેલાં સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરી પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની મંજૂરી મેળવી હતી. આ યુનિટ દ્વારા આધુનિક સોફ્ટવેર અને ટાસ્ક મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને તમામ સરકારી ગ્રાન્ટ અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટસના માઈલસ્ટોન ટ્રેક કરવામાં આવે છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી મહાનગર પાલિકા દ્વારા અમલમાં મુકાતા કોઈ પણ પ્રોજેક્ટ સમય મર્યાદામાં પુરાં ન થાય તો મહાનગર પાલિકાને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડતું હોય છે. આથી સરકારી નાણાંનો વ્યય ન થાય, સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ થાય અને સાથોસાથ તમામ પ્રોજેક્ટની ગુણવત્તા સભર કામગીરી થાય તે માટે આ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની સાથોસાથ હવે સોફ્ટવેર બેઈઝ મેનેજમેન્ટ સીસ્ટમ પણ શરૂૂ કરવામાં આવી છે. જેમાં હાલમાં આઠ ટેકનિકલ નિષ્ણાતોનો સ્ટાફ કાર્યરત છે. આ યુનિટમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર, અર્બન મેનેજર અને ટેકનિકલ સપોર્ટ સ્ટાફ જેવા વિષય નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જેઓ પ્રોજેક્ટના પ્લાનિંગથી લઈને તેના અમલીકરણ પર સીધી નજર રાખશે. એટલું જ નહીં પણ જે કોઈ પણ પ્રોજેક્ટ સમય મર્યાદામાં પુરાં કરવાનાં હશે તેમાં રોજેરોજની સિમેન્ટ રેતી સ્ટીલ લોખંડ જેવા રો મટીરીયલ અને દૈનિક કેટલાં મજૂરો કામ કરશે તેનો ઉઙછ એટલે કે ડેઇલી પ્રોગ્રેસ રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે. નિયત સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા સાથે તેમાં કોઈ ગોલમાલ ન થાય કામની ગુણવત્તા જળવાઈ રહે તે માટે વિજિલન્સ ટીમ દ્વારા પણ સતત દેખરેખ રાખવામાં આવશે. કોઈપણ પ્રોજેકટમાં બધું બરાબર હોય તો ગ્રીન ટિક આવે છે અને કંઈપણ ભૂલ હોય તો રેડ ટિક બતાવે છે. તેમજ શેડ્યુલ કરતા કામ આગળ ચાલે છે કે પાછળ તે સહિતની તમામ વિગત આંગળીનાં ટેરવે મળી રહે છે.
સાઇટ વિઝિટ દરમિયાન અધિકારીની પોલ પણ PMU સિસ્ટમ આ રીતે ખોલશે
સરપ્રાઈઝ વિઝીટ પહેલાં અધિકારીઓને મોબાઈલમાં 200 મીટર નું જ લોકેશન બતાવશે
કમિશનર તુષાર સુમેરાએ આ સોફ્ટવેરની કમાલની કામગીરી વિશે વાત કરતાં એમ પણ કહ્યું હતું કે જ્યારે પણ કમિશનર કક્ષાના કોઈ ઉચ્ચ અધિકારી ગતિમાં રહેલા પ્રોજેક્ટની સરપ્રાઈઝ વિઝીટ લેવાનાં હશે ત્યારે સંબંધિત ઝોનના ડેપ્યુટી કમિશનરોથી માંડી ઝોનલ ઓફિસર સુધીના અધિકારીઓના મોબાઈલમાં લોકેશન શેર થશે. પણ આ લોકેશન મુળ પ્રોજેક્ટ સ્થળનું નહીં હોય પણ 200 મીટર અંતર સુધીનું જ હશે. અધિકારીઓને આવી રીતે મુખ્ય પ્રોજેક્ટ સુધી 200-200 મીટરના જ લોકેશન મળશે જ્યારે અધિકારીઓ જે તે પ્રોજેક્ટની પ0 મીટરની નજીક પહોંચશે ત્યારે જ તેઓને સાચું લોકેશન જાણવા મળશે.
