જૂનાગઢ જિલ્લાના પાટવડ કોઠા સ્થિત આવેલ રવેચી ધામ આશ્રમના મહંતને એનડીપીએસ એકટના ગુનામાં વિસાવદર સેસન્સ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલ સજાનો હુકમ હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં સ્થગિત કરવામાં આવેલ છે.
આ કેસની હકીકત મુજબ ભેસાણ તાલુકાના માલિડા ગામની બાજુમાં, પાટવડ કોઠા વિસ્તારમાં, સરખડીયા હનુમાનના રસ્તા પર ફોરેસ્ટ નાકાની બાજુમાં, રવેચી માતાના મંદિરના સાધુએ મંદિરના પટાંગણમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કર્યુ હોવાની બાતમીના આધારે ભેસાણ પોલીસ સ્ટાફ દ્વારા દરોડો પાડતા ગાંજાના ગેરકાયદેસર છોડનું વાવેતર મળી આવતા રવેચી ધામ આશ્રમના મહંત જયભારતી ઉર્ફે ચારણ મહાત્મા ગુરૂૂ રામપ્રકાશભારતીની ગુન્હો નોંધી ધરપકડ કરવામાં આવેલ.
ત્યારબાદ તપાસનીશ અધિકારી દ્વારા તપાસના અંતે આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવાઓ મળતા વિસાવદર સેસન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ. ચાર્જશીટના આધારે સમગ્ર કેસ ચાલી જતાં વિસાવદર કોર્ટ દ્વારા મહંત જયભારતી ઉર્ફે ચારણ મહાત્મા ગુરૂૂ રામપ્રકાશ ભારતીને સજાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો.
ત્યારબાદ ઉપરોક્ત સજાના હુકમને આરોપી મહંત દ્વારા પોતાના વકીલ મારફત ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી પડકારવામાં આવેલ તથા સજાના હુકમને સસ્પેન્ડ કરવા માટેની અરજી પણ દાખલ કરવામાં આવેલ. અપીલ ગુજરાત હાઇકોર્ટ દ્વારા એડમિટ કરવામાં આવેલ. ત્યારબાદ સજાના હુકમને મોકૂફ રાખવાની અરજી ચાલવા ઉપર આવતા આરોપી મહંતના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ચુકાદાઓ માન્ય રાખીને રવેચીધામ આશ્રમના મહંતને એનડીપીએસ એકટના ગુન્હામાં વિસાવદર સેસન્સ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલ સજાનો હુકમ ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં સ્થગિત કરવામાં આવેલ છે.
આ કેસમાં રવેચી ધામ આશ્રમના મહંત જયભારતી ઉર્ફે ચારણ મહાત્મા ગુરૂૂ રામપ્રકાશભારતી વતી ગુજરાત હાઇકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી અપૂર્વ. એન. મહેતા અને જયદીપ. એમ. કુકડિયા રોકાયેલા હતા.