રાજકોટના ખ્યાતનામ સીએ જતીન જાજલ સામેની છેતરપિંડીની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ

રાજકોટના જાણીતા અને વરિષ્ઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જતીનભાઈ જાજલને ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મોટા કેસમાં કાયદેસરની મોટી રાહત અને ન્યાય મળ્યો છે. નામદાર હાઇકોર્ટે તેમની સામે…

રાજકોટના જાણીતા અને વરિષ્ઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જતીનભાઈ જાજલને ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મોટા કેસમાં કાયદેસરની મોટી રાહત અને ન્યાય મળ્યો છે. નામદાર હાઇકોર્ટે તેમની સામે નોંધાવવામાં આવેલી વિવાદાસ્પદ પોલીસ ફરિયાદને સદંતર રદ કરવાનો હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. 13 માર્ચ 2026ના રોજ રાજકોટના પ્રનગર પોલીસ સ્ટેશનમાં એક વેપારી દ્વારા સીએ જતીનભાઈ જાજલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ અને ન્યાયતંત્ર દ્વારા આ મામલે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એ હકીકત બહાર આવી હતી કે, જે કથિત વ્યવહારોને આધાર બનાવીને આ ફરિયાદ કરવામાં આવી હતી, તે વાસ્તવમાં વર્ષ 2021ના જૂના વ્યવહારો હતા. આ જ મામલે વર્ષ 2021માં પણ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને અરજદારો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો કોઈ પણ પ્રકારે સાચા કે ફલિત થતા નહોતા. તે સમયે પોલીસ દ્વારા કોઈ છેતરપિંડી કે વિશ્વાસઘાત ન થયો હોવાનું જણાવી તે અરજી દફતરે (રદ) કરવામાં આવી હતી.

વર્ષ 2017માં કેટલાક રોકાણકારોએ સીએ જતીન જાજલના રેફરન્સથી ફરિયાદીના સગાની કંપનીમાં નાણાકીય રોકાણ કર્યું હતું. આ રોકાણમાંથી અમુક રકમ પરત ન મળવાને કારણે રોકાણકારો દ્વારા વર્ષ 2023માં રાજકોટની સિવિલ કોર્ટમાં દીવાની દાવા દાખલ કરવામાં આવ્યા હતા. આ પ્રકારે મામલો સિવિલ સ્વરૂૂપનો હોવા છતાં અને અગાઉ કાયદાકીય નિકાલ પામેલા પાંચ વર્ષ જૂના જૂના વ્યવહારો બાબતે વર્ષ 2026માં ફરીથી પ્રનગર પોલીસ સ્ટેશનમાં નવી ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ અકારણ અને વારંવાર હેરાન કરતી કાર્યવાહીથી તકલીફ વેઠીને સીએ જતીનભાઈ જાજલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં આ ફરિયાદને રદ કરાવવા માટે ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટ દ્વારા આ કેસની ગંભીરતા અને તથ્યોને ધ્યાને રાખીને, માત્ર 121 દિવસની અંદર એટલે કે તા. 13 જુલાઈ 2026ના રોજ આ ફરિયાદને સંપૂર્ણપણે રદ કરી દીધી હતી અને જતીનભાઈને ક્લીન ચિટ આપી હતી.

આ કેસમાં હાઇકોર્ટ સમક્ષ જતીનભાઈ તરફથી જાણીતા એડવોકેટ ધ્રુવભાઈ ટોળિયા અને તુષારભાઈ ગોકાણીએ ખૂબ જ ધારદાર અને પ્રભાવશાળી દલીલો રજૂ કરી હતી. કોર્ટ સમક્ષ ફરિયાદી દ્વારા પણ ખુદ એ વાત સ્વીકારવામાં આવી હતી કે આ તમામ પરસ્પરના વ્યવહારો શુદ્ધ ધંધાકીય હતા, જે જે-તે પાર્ટીઓ સાથે કરવામાં આવ્યા હતા. આમાં સીએ જતીનભાઈ જાજલની ભૂમિકા માત્ર એક ફાઇનાન્સિયલ સલાહકાર પૂરતી જ મર્યાદિત હતી અને તેમનું કાર્યક્ષેત્ર માત્ર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી આપવાનું જ હતું.

આ ઉપરાંત, હાર્દિક ઇન્ડસ્ટ્રીઝવાળા નિલેશભાઈ પ્રકાશચંદ્ર ધાંધા સાથેના ફરિયાદીના ધંધાકીય વ્યવહારો પણ અગાઉ જ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયા છે અને હવે તે અંગે કોઈ પણ પ્રકારની તકરાર બાકી રહેતી નથી. હાઇકોર્ટે આ તમામ દસ્તાવેજો અને પેપરોનું ઝીણવટપૂર્વક અવલોકન કરીને સીએ જતીન જાજલ સામેની ફરિયાદને મૂળમાંથી રદ કરવાનો હુકમ કર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ બાબત અને વ્યવહારોનો હવે કાયદાકીય રીતે કાયમી અંત આવી ગયો છે. આ ઉપરાંત, રોકાણકારો દ્વારા વર્ષ 2023માં ફરિયાદીના સગા-સંબંધીઓ સામે રાજકોટની કોર્ટમાં જે કેસો કરવામાં આવ્યા હતા, તે પણ પરત ખેંચવાની ખાતરી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *