આજથી ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ પડવાનું અનુમાન, ત્રીજા રાઉન્ડની તૈયારી, અમુક જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર
25 જુલાઈએ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેસર શક્તિશાળી બનીને ઓડીશા તરફ આગળ વધી અતિશય ભારે વરસાદની સિસ્ટમ એવા ડીપ ડિપ્રેશનમાં ફેરવાયા બાદ આજે તે છત્તીસગઢ ઉપર આવ્યું છે અને તે પોતાની શક્તિ જાળવી રાખીને ગુજરાતની દિશામાં આગળ વધેતેવી સંભાવનાના પગલે ગુજરાતમાં બે દિવસમાં વ્યાપક વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે. શુક્રવાર તા.31 અને શનિવાર તા.1ના સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં 75 ટકાથી 100 ટકા વિસ્તારોમાં એટલે કે સાર્વત્રિક વરસાદનું એલર્ટ આજે જારી કરાયું છે. જેના પગલે રાજ્ય સરકારે સમગ્ર સરકારી તંત્રને એલર્ટ કરી અગમચેતીના પગલા ભરવા સુચના આપી છે. આજ સુધીમાં ગુજરાતમાં મોસમનો 55 ટકા વરસાદ થયો છે અને જળાશયોમાં પણ 55 ટકા જળસંગ્રહ છે. 70 ટકા વાવણી પૂરી થઈ છે.
પરંતુ, ખાસ કરીને સૌરાષ્ટ્રના કચ્છ, પોરબંદર, દ્વારકા સહિત જિલ્લાઓમાં આજે પણ વરસાદની મોટી ખાધ છે ત્યારે ઉપરોક્ત સિસ્ટમથી ફરી સારા વરસાદની આશાનો સૂર્ય દેખાઈ રહ્યો છે. જો કે આજે સૌરાષ્ટ્રમાં વરસાદનો વિરામ રહ્યો હતો. મોસમ વિભાગે (1) આજેે તા.30ના સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ (2) તા.31ના અમદાવાદ, વડોદરા, સુરત, ભરુચ, તાપી, આણંદ, ડાંગ, નર્મદા વગેરે જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે અતિશય ભારે (8 ઈંચથી વધુ) વરસાદ વરસવાનું રેડ એલર્ટ જારી કર્યું છે. જ્યારે આ દિવસે, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની ચેતવણી છે. (3) તા.1ના ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વાવ થરાદ, આણંદ, ભરુચ સહિત જિલ્લામાં અતિ ભારે અને સૌરાષ્ટ્ર તેમજ સુરત, વડોદરા સહિત જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે. અમદાવાદ, નવસારી-વડોદરા-સુરત સહિતના જિલ્લાઓમાં કાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. એકંદરે આવતીકાલે સૌરાષ્ટ્રમાં અંશત: વિસ્તારો અને બાકીના ગુજરાતમાં 50થી 75 ટકા વિસ્તારોમાં અને શુક્રવાર અને શનિવારે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં 75 ટકાથી 100 ટકા વિસ્તારોમાં વરસાદની આગાહી જારી કરાઈ છે.
સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં ગુજરાત સરકાર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. સંભવિત આફત અને દુર્ઘટનાઓ નિવારવાના હેતુથી સરકારે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને નાગરિકોની સુરોક્ષિતતા સુનિશ્ચિત કરવા માટે તાકીદના ધોરણે કડક અને મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ, વાવાઝોડા અને ભારે વરસાદ દરમિયાન બનતી અકસ્માતની ઘટનાઓ અટકાવવા માટે તમામ શહેરો તથા ગ્રામીણ વિસ્તારોમાંથી જોખમી હોર્ડિંગ્સ અને સાઇન બોર્ડ્સ તાત્કાલિક ઉતારી લેવા આદેશ અપાયો છે. આ ઉપરાંત રસ્તા પર નમેલા વૃક્ષો, ભયજનક વીજ પોલ અને અન્ય નબળાં માળખાઓને સત્વરે દૂર કરવા જણાવવામાં આવ્યું છે જેથી પવન કે વરસાદથી હોનારત ન સર્જાય. તંત્ર દ્વારા જર્જરિત મકાનો કે બિલ્ડિંગોમાં રહેતા લોકોને ઓળખીને તેમને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવા માટે પણ વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. ચોમાસા દરમિયાન નદી-નાળાંમાં પૂરની સ્થિતિ સર્જાય ત્યારે કોઈ અણબનાવ ન બને તે માટે જર્જરિત પુલ અને કોઝવે પરથી વાહનોની અવરજવર તુરંત બંધ કરી દેવા માટે પહેલાંથી જ બેરિકેડિંગ સહિતની તૈયારીઓ કરી રાખવા સત્તાવાળાઓને આદેશ આપવામાં આવ્યો છે. તમામ જિલ્લા વહીવટી તંત્રો, આપત્તિ વ્યવસ્થાપન ટીમો (NDRF/SDRF) અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ચોવીસે કલાક સ્ટેન્ડબાય રહેવા જણાવવામાં આવ્યું છે.
અધિકારીઓ કર્મચારીઓની રજા રદ, હેડક્વાર્ટર નહીં છોડવા સૂચના
હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે ’એલર્ટ મોડ’ પર આવી ગયું છે. કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા મહત્વના સુરક્ષાત્મક પગલાંઓ લેવામાં આવ્યા છે. વરસાદી આપત્તિ સામે રાહત અને બચાવ કામગીરી માટે પૂરતું માનવબળ ઉપલબ્ધ રહે તે હેતુથી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર હેઠળના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. તમામ સ્ટાફને હેડક્વાર્ટર ન છોડવા અને પોતપોતાની ફરજ પર હાજર રહેવા કડક આદેશ અપાયા છે. ઈમરજન્સી રેસ્ક્યૂ અને રાહત કામગીરી માટે રાજકોટ નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તાર શાપર ખાતે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની એક વિશેષ ટીમ બોટ્સ અને આધુનિક બચાવ સાધનો સાથે કાર્યરત કરી દેવામાં આવી છે, જેથી નીચાણવાળા કે પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક મદદ પહોંચાડી શકાય. આ ઉપરાંત, રાજકોટ જિલ્લાના તમામ સંબંધિત લાઇન ડિપાર્ટમેન્ટ્સ (જેવા કે સિંચાઈ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, મહાનગરપાલિકા, પીજીવીસીએલ અને પોલીસ વિભાગ)ના કંટ્રોલ રૂૂમ દિવસ-રાત એટલે કે 24ડ્ઢ7 મોનિટરિંગ માટે કાર્યરત કરી દેવામાં આવ્યા છે.
