હીટ વેવની આગાહી વચ્ચે હ્રદય રોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ ત્રણ લોકોના શ્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં બજરંગ વાડીમાં વકીલ, લોથડા સ્થિત વડાલીયા ફિલ્ટર પ્લાન્ટના કારખાનામાં અને રફાળા ગામે એસએનજે કંપનીના સિક્યુરિટી ગાર્ડનું હદય રોગના હુમલાથી મોત નિપજ્યું છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં બજરંગવાડી વિસ્તારમાં રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા ધર્મેશભાઈ નટવરલાલ ચાવડા નામના 52 વર્ષના વકીલ પોતાના ઘરે હતા ત્યારે મધરાત્રે બીપી લો થવાના કારણે ગભરામણ થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયેલા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી વકીલ ધર્મેશભાઈ ચાવડાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતાં પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. મૃતક ધર્મેશભાઈ બે ભાઈમાં નાના હતા અને તેમને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં ઉપલેટાના નાગોવદર ગામના વતની અને હાલ લોઠડામાં આવેલ વડાલીયા ફિલ્ટર પ્લાન્ટના કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ભીમાભાઇ જોધાભાઈ ગોઠિવાડિયા નામના 60 વર્ષના વૃદ્ધનું હૃદય રોગના હુમલાથી મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં ભીમાભાઇ ગોઠીવાડીયાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત ત્રીજા બનાવમાં રાજકોટના મઘરવાડા ગામના વતની અમરશીભાઈ મેરાભાઈ સરસણીયા નામના 65 વર્ષના વૃદ્ધ રફાળા ગામે આવેલી એસએનજે કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં તબીબે વૃદ્ધનું હદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
