શહેરમાં હૃદય રોગના હુમલાથી વધુ બે મૃત્યુ થયા છે. જેમાં ભગવતીપરામાં રહેતાં મુળ બંગાળના યુવાનનું સોની બજારમાં દુકાને ઢળી પડતાં અને નવલનગરમાં મહિલાનું ઘરે બેભાન થઇ ગયા બાદ મૃત્યુ થયું હતું. બંનેના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા સુખ સાગર સોસાયટીમાં રહેતો અનારૂૂલ અબ્દુલરહેમાન શેખ (ઉ.વ.36) નામનો યુવાન સોની બજાર જુની ગધીવાડમાં પોતાની સોનાના દાગીનાને પોલીશ કામ કરવાની દુકાને હતો ત્યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં મૃત્યુ થયું હતું.
બનાવની જાણ થતાં એ-ડિવીઝન પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃતક મુળ બંગાળ કોલકત્તાનો વતની હતો. તેને સંતાનમાં ત્રણ દિકરી છે. પોતે એક બહેનથી નાનો અને પરિવારનો આધારસ્તંભ હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં નવલનગર શેરી નં. રમાં રહેતાં ચંદ્રીકાબેન યોગેશભાઇ લીંબાચીયા (ઉ.વ.53) નામના મહિલા ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સજાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પતિ ઇલેક્ટ્રીક કામ કરે છે. ચંદ્રીકાબેનને હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું.
અન્ય એક બનાવમાં કાલાવડ રોડ વામ્બે આવાસ ક્વાર્ટરમાં રહેતાં જીતુબેન દિનેશભાઈ વાઘેલા (ઉ.વ.53)ને ગઇકાલે ઉધરસ ચડયા બાદ શ્વાસ લેવામાં તકલીફ થવા માંડતાં બેભાન જેવા થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર જીતુબેનને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પતિ હયાત નથી.
