હૃદયરોગનો હુમલો: વધુ ત્રણ જિંદગી ધબકારા ચૂકી ગઈ

રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ માનવ જીંદગી ધબકારા ચુકી ગઈ છે. જેમાં પારસ સોસાયટીના યુવક, કાળીપાટના પ્રૌઢ અને પરસાણાનગરના વૃધ્ધનું હાર્ટએટેકથી…

રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ માનવ જીંદગી ધબકારા ચુકી ગઈ છે. જેમાં પારસ સોસાયટીના યુવક, કાળીપાટના પ્રૌઢ અને પરસાણાનગરના વૃધ્ધનું હાર્ટએટેકથી મોત નિપજતાં ત્રણેય પરિવારો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ આસામનો વતની અને હાલ રાજકોટમાં પારસ સોસાયટીમાં રહી લાદી કામ કરતો ક્રિશ્ર્ના કાઘુભાઈ તંતી નામનો 28 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તેમનું મોત નિપજયું હતું. મૃતક યુવાન ત્રણ ભાઈ એક બહેનમાં નાનો હતો અને અપરિણીત હતો.

બીજા બનાવમાં શહેરની ભાગોળે આવેલા કાળીપાટ ગામે રહેતાં રમેશભાઈ ઘોઘાભાઈ મકવાણા (ઉ.45) પોતાના ઘરે હતાં ત્યારે વહેલી સવારે પાંચ વાગ્યે છાતીમાં દુ:ખાવો ઉપડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી પ્રૌઢનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું. મૃતક પ્રૌઢ ત્રણ ભાઈ બે બહેનમાં મોટા હતાં અને તેમને સંતાનમાં બે પુત્રી છે.

ત્રીજા બનાવમાં પરસાણાનગરમાં રહેતાં નિવૃત્ત સફાઈ કામદાર વેલજીભાઈ જસાભાઈ વાઘેલા (ઉ.64) પોતાના ઘરે હતાં ત્યારે અચાનક લોહીની ઉલ્ટી થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. મૃતક વૃધ્ધને સંતાનમાં બે પુત્ર છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *