રાજકોટમાં આધેડ અને વૃધ્ધ, જસદણના ભંડારિયામાં આધેડનું હાર્ટએટેકથી મોત
રાજકોટ પંથકમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં રાજકોટ અને ભંડારીયા ગામના આધેડનું હાર્ટએટેેકથી મોત નીપજતા પરિવારમાં શોકમાં લાગણી છવાઇ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આવેલા ભગવતીપરા વિસ્તારમાં રહેતા કરીમભાઇ ઓસમાણભાઇ ગોગડા નામના 53 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના તબીબે જોઇ તપાસી આધેડનું હાર્ટએટેકથી મોત નીપજ્યુ હોવાનું જાહેર કરતા પરિવારમાં માતમ છવાયો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાછળ નવનિર્મીત મકાનમાં કડીયા કામ કરતા વિજયભાઇ હજારીભાઇ નાયક નામના 64 વર્ષના શ્રમિક વૃધ્ધને હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમનું મોત નીપજ્યુ છે. મૃતક વૃધ્ધ મુળ ઓરીસાના વતની હતા અને તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. આ ઉપરાંત ત્રીજા બનાવમાં જસદણના ભંડારીયા ગામે રહેતા કેશુભાઇ લક્ષ્મણભાઇ સોરાણી (ઉ.વ.55) બપોરના સમયે પોતાની વાડીએ હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. મૃતક કેશુભાઇ સોરાણીને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
