રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ માનવજીંદગીને ભરખી રહ્યો છે ત્યારે વધુ એક બનાવમાં વિરાણી અઘાટમાં કારખાનામાં નિંદ્રાધીન યુવકને આવેલો હૃદય રોગનો હુમલો જીવલેણ નિવડતાં શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વિરાણી અઘાટમાં પ્રગતિ સોસાયટીમાં આવેલા ક્રિષ્ના મેટલ નામના કારખાનામાં તપસીરામ છેદનલાલ પાસવાન નામનો 26 વર્ષનો યુવાન કારખાનામાં હતો ત્યારે સવારના સાતેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવખનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન મુળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને સાત ભાઈ બે બહેનમાં વચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્રી છે. મૃતક યુવાન રાત્રીના સમયે કારખાનામાં સુઈ ગયો હતો તે દરમિયાન આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
