શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના જીવ કાળ ખપરમાં હોમાયા છે. જેમાં આકાશદીપ સોસાયટીમાં યુવાન અને સંતોષીનગરના આધેડનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, દુધસાગર રોડ પર આવેલી આકાશદીપ સોસાયટીમાં રહેતાં દુર્ગાપ્રસાદ માનીકરામ નિશાંત (ઉ.26)પોતાના ઘરે હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન મુળ યુપીનો વતની છે.
પત્ની વતનમાં ગયા બાદ બેભાન હાલતમાં મોત નિપજતાં દરવાજા તોડી યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજા બનાવમાં સંતોષનગરમાં રહેતા રાજાભાઈ ચોથાભાઈ બાંભવા (ઉ.55) પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ આધેડનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
