શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ છે. જેમાં ગૌરીદળમાં ઢોર દોહીને પરત ફરતા યુવાન અને સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગૌરીદળ ગામે રહેતા રાયધનભાઈ બેચરભાઈ શિયાળ (ઉ.42) રાત્રીનાં આઠેક વાગ્યાના અરસામાં ઢોર દોહીને ઘરે પરત આવતો હતો ત્યારે બેડી ગામ પાસે હૃદયરોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં ઢળી પડયો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક યુવક ત્રણ ભાઈ અને બહેનમાં વચેટ હતો અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.
બીજા બનાવમાં ગોંડલ રોડ ઉપર સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા બાબુભાઈ જીવાભાઈ મુંગરા (ઉ.76)ને સવારના આઠેક વાગ્યાના અરસામાં હૃદયરોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
