જીવરાજપાર્કમાં પુત્રીના ઘરે આંટો મારવા આવેલા પિતા, મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં કર્મચારી અને દ્વારકા યાત્રાએ જાય તે પૂર્વે યુવાનનું મોત
રાજકોટમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ ચાર બનાવમાં રાજકોટમાં પુત્રીના ઘરે આટો મારવા આવેલા પિતા, મંડપ સર્વિસના ગોડાઉનના કર્મચારી અને દ્વારકા સંઘમાં યાત્રાએ નીકળે તે પૂર્વે યુવાન સહિત ચારના હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલ શિવ શક્તિ પાર્કમાં રહેતા હરેશભાઈ માવજીભાઈ મૂળિયા નામના 53 વર્ષના આધેડ રાજકોટમાં આવેલ જીવરાજ પાર્કમાં લાભુભાઈ પારેખ ટાઉનશિપમાં રહેતી પુત્રી મયુરીબેન અમિતભાઈ સોલંકીના ઘરે હતા. ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં તેમને અચાનક હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક આધેડને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે અને 15 દિવસથી બીમારીના કારણે દવા લેવા આવ્યા હતા અને પુત્રીના ઘરે રોકાયા હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે બીજા બનાવમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક મંડપ સર્વિસ ડેકોરેશનના ગોડાઉનમાં રહેતા અને ત્યાં જ કામ કરતાં સુરેન્દ્ર મુરારીભાઈ યાદવ નામનો 42 વર્ષનો યુવાન સવારના આઠેક વાગ્યાના અરસામાં ગોડાઉનમાં હતો ત્યારે હદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકનું મોત નીપજતા શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. અને છેલ્લા દસ વર્ષથી મંડપ સર્વિસમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
ત્રીજા બનાવમાં રૈયાધાર વિસ્તારમાં શાંતિધામ ગેટ પાસે આવેલી બંસીધર સોસાયટીમાં રહેતા જેસાભાઇ વિહાભાઇ કિહલા નામનો 40 વર્ષનો યુવાન આવતીકાલે દ્વારકા 400 વ્યક્તિઓ સાથે સંઘમાં જવાનો હતો તે પૂર્વે જ સવારના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી જેસાભાઈ કીહલાનું હદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતા પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં જેસાભાઈ કીહલાને સંતાનમાં બે પુત્ર છે અને સ્કૂલ વર્ધીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
આ ઉપરાંત ચોથા બનાવમાં મવડી ગામે આવેલ કેકે રેસીડેન્સીમાં રહેતા મુકેશભાઈ ગોકળભાઈ પીપળવા નામના 52 વર્ષના આધેડ પોતાના ઘરે હતા સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં હદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક આધેડને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.