રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગીને ભરખી રહ્યો છે. ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં હરીઘવા રોડ પર રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને રામનગરમાં કારખાનું ધરાવતાં કારખાનેદાર પોતાના કારખાનામાં હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં ઢળી પડયા હતાં. કારખાનેદાર આધેડના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં હરીઘવા રોડ પર આવેલા રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને રામનગર વિસ્તારમાં માટેલ મશીન ટુલ્સ નામનું કારખાનું ધરાવતાં જીવરાજભાઈ ગીગાભાઈ મોલીયા નામના 55 વર્ષના આધેડ પોતાના કારખાને હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. આધેડને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરતના તબીબે જોઈ તપાસી જીવરાજભાઈ મોલીયાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતાં થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક જીવરાજભાઈ મૌલીયાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જીવરાજભાઈ મૌલીયા પોતાના કારખાનામાં હતાં ત્યારે આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
