રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત એક વિશેષ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી (અમદાવાદ), એલાયન્સ ઇન્ડિયા (દિલ્હી) અને GSNP+ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કેમ્પમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી 20,000થી વધુ બંદીવાનોનું નિદાન કરાયું હતું.
આ કેમ્પેઇન હેઠળ ગુજરાતની તમામ જેલોમાં આશ્રિત બંદીવાનોનું આધુનિક ’હેન્ડ હેલ્ડ એક્સ-રે મશીન’ દ્વારા ચેસ્ટ એક્સ-રે કરી ટી.બી. (ક્ષય) નું વહેલું નિદાન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ટી.બી. ઉપરાંત આ ઝુંબેશમાં એચ.આઈ.વી. તેમજ સિફિલીસના નિદાનની કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતની તમામ જેલોના અંદાજિત 20,000થી વધુ બંદીવાન ભાઈ-બહેનોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવશે. રાજકોટ મધ્યસ્થ જેલના 91 બંદીવાનોનું ચેક-અપ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 04 બંદીવાનોમાં ટી.બી.ના શંકાસ્પદ લક્ષણો મળી આવ્યા છે, જેમને વધુ સચોટ નિદાન અને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, રાજકોટ ખાતે મોકલવામાં આવશે.
આ સમગ્ર અભિયાન જેલ અને સુધારાત્મક વહીવટના પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવ અને પોલીસ મહાનિરીક્ષક ડો. ગિરીશ પંડ્યા ના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યું છે. આજના કાર્યક્રમમાં ક્લસ્ટર પ્રિવેન્શન ઓફિસર રવિરાજ રેવર અને જેલ અધિક્ષક વી.પી. ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. જેલ દવાખાના વિભાગના ડોક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફે આ કેમ્પને સફળ બનાવવા ખાસ જહેમત ઉઠાવી હતી.
