બોપલ પોલીસ મથકના મહિલા પીએસઆઇ વતી પાંચ લાખની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક PSI અને હેડ કોન્સ્ટેબલ સામે લાંચ લેવાના ગંભીર આરોપો હેઠળ એન્ટી કરપ્શન બ્યુરો (ACB ) દ્વારા સફળ ટ્રેપ ગોઠવી…

બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક PSI અને હેડ કોન્સ્ટેબલ સામે લાંચ લેવાના ગંભીર આરોપો હેઠળ એન્ટી કરપ્શન બ્યુરો (ACB ) દ્વારા સફળ ટ્રેપ ગોઠવી કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રેપ દરમિયાન ₹5 લાખની લાંચની રકમ સ્વીકારતા હેડ કોન્સ્ટેબલ ઝડપાઈ ગયો હતો, જ્યારે PSI સ્થળ પર હાજર મળી આવી નહોતી. ACB તરફથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર, બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક અરજીની તપાસ PSI પ્રિતલ જશુભાઈ ચૌધરી કરી રહ્યા હતા.

આ અરજીની તપાસના આધારે તેમની સામે ગુનો દાખલ ન કરવા બદલ PSI અને હેડ કોન્સ્ટેબલ દિલીપકુમાર મફતભાઈ ભોઇએ શરૂૂઆતમાં ₹10 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ રકઝક કરતા બંને આરોપીઓએ લાંચની રકમ ₹5 લાખ નક્કી કરી હોવાનું સામે આવ્યું છે. બાદમાં ફરિયાદી લાંચની રકમ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACB નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACB એ પંચ સાક્ષીઓની હાજરીમાં શુક્રવારે ટ્રેપ ગોઠવી હતી. ટ્રેપ દરમિયાન આરોપી હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઇએ ફરિયાદી પાસેથી ₹5 લાખની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો હતો.

હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઇએ લાંચ સ્વિકાર્યા બાદ પોતાના મોબાઇલ ફોન મારફતે PSI પ્રિતલબેન ચૌધરીને સ્પીકર ફોન પર વાત કરી લાંચની રકમ મળી ગઈ હોવાનું જણાવ્યું હતું, ત્યારે સામેથી PSI પ્રિતલ ચૌધરીએ પણ આ બાબતે સંમતિ આપી હતી. જેથી ટ્રેપમાં ACB ની ટીમે હેડ કોન્સ્ટેબલને સ્થળ પરથી ઝડપી પાડી તેની પાસેથી ₹5 લાખની રકમ જપ્ત કરી હતી.જોકે PSI પ્રિતલ ચૌધરી ટ્રેપ સમયે સ્થળ પર મળી આવી નહોતી. ત્યારે હાલ ACB દ્વારા બંને આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ અમદાવાદ ગ્રામ્ય પોલીસ તંત્રમાં ચકચાર મચાવી છે અને સમગ્ર મામલે ACB દ્વારા હવે ઙજઈંને ઝડપી લેવા પ્રયાસો કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *