કપડવંજમાં ગેરકાયદેસર ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ: 6 લોકો ગંભીર

10 કિ.મી. સુધી ધરતીકંપ જેવો અનુભવ થતા લોકોમાં ભય, ફેકટરીના શેડના ફૂરચા ઉડી ગયા ખેડા જિલ્લાના કપડવંજ પંથકમાં આજે ગેરકાયદેસર રીતે ધમધમતી ફટાકડાની એક ફેક્ટરીમાં…

10 કિ.મી. સુધી ધરતીકંપ જેવો અનુભવ થતા લોકોમાં ભય, ફેકટરીના શેડના ફૂરચા ઉડી ગયા

ખેડા જિલ્લાના કપડવંજ પંથકમાં આજે ગેરકાયદેસર રીતે ધમધમતી ફટાકડાની એક ફેક્ટરીમાં સર્જાયેલા પ્રચંડ વિસ્ફોટે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે. ડમ્પિંગ સ્ટેશન પાસે આવેલા આ કારખાનામાં બનેલી આ ભયાનક દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ અને આંચકા 10 કી.મી. સુધી અનુભવાયા હતા. આસપાસના ગ્રામજનોએ અનુભવ્યું કે જાણે ધરતી ધ્રુજી ઉઠી હોય. બ્લાસ્ટની તીવ્રતા એટલી ભયાનક હતી કે જે મકાનમાં આ ફેક્ટરી ચાલતી હતી, તે આખું મકાન ક્ષણવારમાં જ ધરાશાયી થઈ ગયું હતું અને કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પાંચથી છ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ધડાકાનો અવાજ સાંભળીને ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સ્થાનિકોએ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાટમાળ હટાવી બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે, જેથી કાટમાળ નીચે અન્ય કોઈ વ્યક્તિ દબાયેલી ન હોય તેની ખાતરી કરી શકાય.

નોંધનીય છે કે, હજુ બે દિવસ પહેલા જ ખેડા એસ.ઓ.જી. દ્વારા વસો ગામમાં પણ એક ગેરકાયદેસર ફટાકડાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યાં જ કપડવંજમાં આ બીજી મોટી ઘટના સામે આવતા તંત્રની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થયા છે. રહેણાંક વિસ્તાર કે તેની આસપાસ આવી જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કેવી રીતે ચાલી રહી હતી, તે તપાસનો વિષય બન્યો છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ભયનું વાતાવરણ છે. પોલીસે ઘટના અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે, સાથે જ આવા અન્ય ગેરકાયદેસર એકમો સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. આ દુર્ઘટના પાછળ કોની બેદરકારી છે અને લાઇસન્સ વિના આ ફેક્ટરી કોના દ્વારા ચલાવવામાં આવતી હતી, તે દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *