પૂર્વ નગરસેવકો સક્ષમ હોવા છતાં પણ સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ : સ્થાનિકોનું માનવું વોર્ડ 1ના ઉમેદવારોમાં નથી “નૂર”
રાજકોટ મહાનગરપાલિકાના તમામ વોર્ડના સમીકરણોને સમજવામાં ક્યાંક રાજકીય પક્ષ ચૂકી ગયું હોય તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે. સામે જે વોર્ડમાં ઉમેદવારોને ઉભા રાખવામાં આવ્યા છે તેઓ સક્ષમ છે કે કેમ તે અંગે પણ અનેકવિધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. વાત કરવામાં આવે વોર્ડ નંબર એકની તો અહીં ભાજપે ઓબીસી મહિલા બેઠક માટે અંજનાબેન મોર્જરીયા , સામાન્ય મહિલા બેઠક પર સેજલબેન ચૌધરી સામાન્ય બેઠક પર જયરાજસિંહ જાડેજા અને પરેશ ઠાકરને સ્થાન અપાયું છે. પરંતુ આ વોર્ડના જ રહેવાસીઓના જણાવ્યા અનુસાર હાલ ભાજપના ચાર ઉમેદવારો છે સક્રિયતાથી લોકો વચ્ચે આવવા જોઈએ તે નથી આવ્યા. અગાઉની બેઠક પરના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સ્થાનિક પ્રશ્નોનું નિવારણ લાવવામાં નિષ્ફળ નીવડ્યા છે. સાથોસાથ એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે હાલ જે ઉમેદવારોને નક્કી કરવામાં આવ્યા છે તેઓ અપેક્ષા મુજબના નથી.
સાથો સાથ સ્થાનિક આગેવાનોમાં પણ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપના જે કમિટેડ મતદારો હતા અને છે તેઓએ હરહંમેશ ભાજપને સાથ સહકાર આપ્યો છે અને કાર્યકરો પણ દિવસ રાત જોયા વગર પક્ષની કામગીરીમાં જોડાયા પરંતુ આ વખતે પ્રદેશ સંગઠન દ્વારા તેઓની અવગાણા કરવામાં આવી છે ત્યારે તેની સીધી જ અસર મતદાન પર થાય તો નવાઈ નહીં. બીજી મહત્વની વાતો એ છે કે હાલ પ્રચાર પ્રસાર દરમિયાન અગાઉથી દોઢસો લોકો ઉમેદવારો સાથે જોડાતા હતા તેમાં ઘણો ખરો ઘટાડો થયો છે અને માત્ર 30 થી 35 લોકો જ હાલ ઉમેદવારો સાથે પ્રચારમાં જઈ રહ્યા છે. પરેશ ઠાકર નું નામ સારું છે પરંતુ તેઓ વોર્ડમાં અને લોકો વચ્ચે કોઈ દિવસ આવ્યા નથી ત્યારે મતદાનમાં પણ તેની માઠી અસર જોવા મળી શકે તેમ છે.
હાલ વોર્ડ નંબર એકમાં પાયા ના પ્રશ્નો ની વાત કરવામાં આવે તો લાઈટ, પાણી અને ગટરની સાથોસાથ રામાપીર ચોકડી પાસે આવેલો હોકર્ઝઝોન ન્યુસન્સ પોઇન્ટ તરીકે લોકો જોઈ રહ્યા છે . સાથોસાથ ગાર્બેજ સ્ટેશનનું દુષણ પણ લોકો વેઠી રહ્યા છે. અગાઉના નગરસેવકોને પણ આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ યોગ્ય ઉકેલ આવી શક્યો ન હતો. અગાઉ પણ કૃષિવાટીકા પાસે દેશી દારૂૂનો અડ્ડો ધમધમતો હોવાની ફરિયાદ ઉઠી રહી છે. ત્યારે આ દુસણને શું નવા ઉમેદવારો દૂર કરી શકશે કે કેમ તે અંગે પણ અનેકવિધ સવાલો ઉઠી રહ્યા છે.
સાથોસાથ જાણકાર વર્તુળોના જણાવ્યા અનુસાર હાલ મતદાન 26 એપ્રિલના રોજ હોવાથી તડકો, તથા વેકેશનનો માહોલ હોવાના કારણે મતદાન પર તેની સીધી જ અસર થઈ શકે તો નવાઈ નહીં. ત્યારે માત્ર વોર્ડ એક જ નહીં પરંતુ અનેક વોર્ડમાં આ જ સ્થિતિનું નિર્માણ થયું છે અને ઉમેદવારો અંગે અનેકવિધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
એક નંબર વોર્ડમાં એવી ચર્ચા પણ જોર પકડ્યું છે કે હાલ રાજકારણ અને જે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે તેઓ પ્રચારપ્રસાર કરવામાં પણ સુષુપ્ત છે. ત્યારે વડીલ અને કાર્યકરો પણ હાલ પ્રચારમાં ઉમેદવારો સાથે જોડાતા ન હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે ગઈકાલથી દરેક વોર્ડમાં કાર્યાલય ખુલી ગયા છે જેથી આવનારા દિવસોમાં શું પરિસ્થિતિ નિર્માણ પામશે તે જોવાનું રહ્યું.
વોર્ડ નં.1માં રામાપીર ચોકડી પાસે આવેલા હોકર્સ ઝોન અને તેજ વિસ્તારમાં જે ડમ્પીંગ સ્ટેશન આવેલું છે તેની ગંદકીના ગંજમાં વોર્ડ 1ના લોકો પીસાઈ રહ્યાં છે. આ અંગે પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આજ દીન સુધી તેનો ઉકેલ આવ્યો નથી ત્યારે વોર્ડ 1ના રહેવાસીઓને આશા છે કે જે નવી ચુંટાયેલી બોડી આવે તે આ પ્રશ્ર્નોનું નિરાકરણ લાવે અને જો આ મુદ્દો નિવારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સ્થાનિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડશે.
ઉમેદવારો માત્ર મોટી – મોટી વાત કરીને ચાલ્યા જાય છે
વોર્ડ નં.1 લોકોનો વિરોધ પણ એ વાત ઉપર જ છે કે કોઈપણ પક્ષના ઉમેદવાર જ્યારે પ્રચાર પ્રસાર અર્થે આવતા હોય તે સમયે તેઓ માત્ર મોટી વાતો કરીને ચાલ્યા જાય છે પરંતુ કામના નામે મીંડુ હોય છે. પછી તે સત્તાધારી પક્ષ હોય કે કોંગ્રેસ. હાલના તબક્કે બેઠક વહેંચણીમાં જે પ્રશ્નો ઉભા થયા છે તેને લઈને ભાજપ માટે પણ સરળ નહીં રહે અને લોકોને મનાવવા માટે એડી ચોટીનું જોર લગાવવું પડશે.
