ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર થયેલા આતંકી હુમલાએ આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. બોન્ડી બીચ પર રવિવારે બપોરે હનક્કાહ તહેવાર મનાવી રહેલા યહૂદીઓ પર બે મૂળ પાકિસ્તાની આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરીને 16 લોકોનાં ઢીમ ઢાળી દીધાં. તેમાંથી 11 લોકો તો બીચ પર જ ઢળી ગયાં, જ્યારે બાકીના પાંચ હોસ્પિટલમાં મોતને ભેટ્યા છે. આ હુમલામાં 38 લોકો ઘાયલ થયા છે ને તેમાંથી ઘણાંની હાલત ગંભીર છે.
ઓસ્ટ્રેલિયા દુનિયામાં સૌથી સલામત દેશોમાંથી એક છે પણ સિડનીની ઘટનાએ સાબિત કર્યું છે કે દુનિયામાં હવે કોઈ દેશ એવો દાવો કરી શકે તેમ નથી કે પોતે એકદમ સલામત છે. જિહાદના નામે ચલાવાતા મુસ્લિમ આતંકવાદનો ભરડો આખી દુનિયા ફરતે છે એ વાત આ હુમલાએ સાબિત કરી દીધી છે અને તેનાથી કઈ રીતે બચવું એ વિશે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે.
સિડનીની ઘટનામાં યહૂદીઓને નિશાન બનાવાયા તેનો અર્થ એ થયો કે, હમાસ અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધના કારણે હુમલો થયો છે. હમાસે પહેલાં આતંકવાદી હુમલો કરીને 1200 ઈઝરાયલીઓને રહેંસી નાખ્યા હતા અને બહેન-દીકરીઓ પર પાશવી બળાત્કાર સહિતના અત્યાચારો ગુજાર્યા હતા. ઈઝરાયલે વળતો પ્રહાર કરીને હમાસના તાબા હેઠળના ગાઝાપટ્ટી વિસ્તારને ખેદાનમેદાન કરી નાખ્યો. ઈઝરાયલે કશું ખોટું નહોતું કર્યું કેમ કે પોતાની સુરક્ષા માટે વળતો હુમલો કરવાનો તેને અધિકાર છે પણ દુનિયાભરના મુસ્લિમોના માનસમાં એવું ઝેર ભરી દેવાયું કે, ઈઝરાયલે ગાઝાપટ્ટીના મુસ્લિમો પર ભારે અત્યાચાર કરી મૂક્યા.
ઈઝરાયલ સામે નફરતનો માહોલ પેદા કરી દેવાયો તેનું આ પરિણામ છે.સિડનીના હુમલાએ આખી દુનિયા સામે એક એ વાસ્તવિકતા પણ છતી કરી દીધી કે દુનિયાના બધા મુસ્લિમો આતંકવાદી નથી કે આતંકવાદના સમર્થક પણ નથી પણ એક વ્યક્તિના કારણે મુસ્લિમો વિશેનો દૃષ્ટિકોણ નહીં બદલાય. સિડનીમાં હુમલાખોર આંતકવાદીને પાછળથી પકડીને તેની પાસેથી મશીનગન છીનવીને તેની સામે તાકી દેનારા માણસનું નામ અહમદ અલ અહમદ છે અને અહમદ મુસલમાન છે. સિડનીના બોન્ડી બીચ પર ફળ વેચતા 43 વર્ષના અહમદે જરાય ડર્યા વિના ભારે મર્દાનગી અને મુત્સદીગીરી વાપરીને પાછળથી આવીને આતંકવાદી પાસેથી મશીનગન ખૂંચવી લીધી હતી.
આતંકવાદી પાસે બીજાં હથિયારો હતાં ને તેમાંથી તેણે ગોળીબાર કર્યો તેમાં અહમદને બે ગોળી વાગી છતાં અહમદે આ હિંમત બતાવી એ બદલ તેને સલામ કરવી જોઈએ. અહમદની મર્દાનગીના કારણે પોલીસ આતંકવાદીને સરળતાથી પકડી લીધો. અહમદ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અહમદે આ બહાદુરી ના બતાવી હોત તો શું થયું હોત તેની કલ્પના કરવી અઘરી છે કેમ કે આતંકવાદી પાસે હેન્ડ ગ્રેનેડ સહિત બીજાં હથિયારો હતાં. એ હથિયારોથી તેણે કેટલી લાશો ઢાળી દીધી હોત તેની કલ્પના કરી શકાય તેમ નથી એ જોતાં અહમદ સાચા અર્થમાં તારણહાર સાબિત થયો ને સંખ્યાબંધ લોકોના જીવ તેણે બચાવ્યા છે.
દુનિયામાં અને ખાસ તો ભારતમાં મુસ્લિમોને આતંકવાદ સાથે જોડવાની ફેશન છે. ભારતમાં તો સોશ્યિલ મીડિયા પર એવો બકવાસ સવાલ પણ કરાય છે કે, દુનિયામાં બનતી આતંકવાદની બધી ઘટનાઓ સાથે મુસ્લિમો જ કેમ જોડાયેલા હોય છે ? સિડનીની ઘટનાએ સાબિત કર્યું કે, બધા મુસ્લિમો આતંકવાદી નથી ને આતંકવાદી માનસિકતા પણ ધરાવતા નથી. કમનસીબે અહમદ જેવા મુસ્લિમો બહુ ઓછા હોય છે. અહમદની જેમ આતંકવાદીઓની સામે ભિડાઈ જવાની વાત તો છોડો પણ જિહાદને નામે થતી નિર્દોષોની હત્યાની સામે ખુલ્લેઆમ બોલતા પણ નથી. તેના કારણે આતંકવાદને મુસ્લિમો સાથે જોડી દેવાનું સરળ થઈ જાય છે. આ ઘટના પછી પણ એ જ થશે ને મુસ્લિમો તરફની નફરત ઘેરી બનશે.
