ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં સ્થાનિક લોકોએ શીખો રસ્તા પર ફરીને નગર કીર્તન કરે તેનો વિરોધ કર્યો એ ઘટનાએ ચકચાર જગાવી છે. પોતાને સાચા દેશભક્ત ગણાવતા યુવકોએ નગર કીર્તનનો રસ્તો રોકીને હાકા પ્રદર્શન કર્યું અને ’ધીસ ઇઝ ન્યૂ ઝીલેન્ડ, નોટ ઈન્ડિયા’ એટલે કે આ ન્યૂ ઝીલેન્ડ છે, ભારત નહીં અને ’ન્યૂ ઝીલેન્ડને ન્યૂ ઝીલેન્ડ જ રહેવા દો, આ અમારી જમીન છે, આ જ અમારું સ્ટેન્ડ છે’ એવું લખેલાં બેનરો પણ ફરકાવ્યાં. ન્યૂ ઝીલેન્ડના સાઉથ ઓકલેન્ડના પરા મનુરિવામાં થયેલા વિરોધ પાછળ ડેસ્ટિની ચર્ચ નામનું સંગઠન છે. ‘અપોસ્ટલ બિશપ’ બ્રાયન તામાકી તેના પ્રમુખ છે.
તામાકીએ પોતાના ફેસબુક પેજ પર દેખાવોના વીડિયો અને પોસ્ટ પણ મૂક્યા છે. તામાકીએ લખ્યું કે, મનુરિવામાં શીખ ધાર્મિક સરઘસને કારણે કલાકોથી ટ્રાફિક બંધ છે. રસ્તા બંધ છે, સ્થાનિક લોકોનું જીવન અસ્તવ્યસ્ત છે અને ધંધા-રોજગાર પ્રભાવિત થયા છે. પરિવારો ફસાયા. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જાહેર રસ્તા પર ખુલ્લેઆમ તલવારો અને ખંજર લઈને પુરુષો ફરી રહ્યા છે. દુનિયાભરમાં ધર્મના નામે સામાન્ય લોકોને તકલીફ પડે એવાં કૃત્યો થાય છે તેનો ઈનકાર કરી શકાય તેમ નથી ને ભવિષ્યમાં તેના કારણે વર્ગ વિગ્રહો થઈ શકે છે એ આ ઘટનાનો બોધપાઠ છે. ભારતમાં તો ધાર્મિક કાર્યક્રમોના કારણે સામાન્ય લોકોને પરેશાન કરવાની ફેશન જ થઈ ગઈ છે. ધર્મના મામલે બોલો તો લોકોની લાગણી દૂભાઈ જાય છે ને ધર્મને બાજુ પર મૂકીને ધર્મના અનુયાયીઓ અધર્મ એટલે કે હિંસા પર ઉતરી આવે છે.
પોતાને ધર્મ પાળવાનો અધિકાર છે તો સામાન્ય લોકોને શાંતિથી રહેવાનો અધિકાર છે એ વાત તેમની જડ બુદ્ધિમાં ઉતરતી જ નથી તેથી જંગાલિયત પર ઉતરી જાય છે. તેના કારણે લોકો પરેશાની વેઠીને પણ ચૂપ રહે છે. ભારતમાં ધર્મના નામે લોકોની કેવી કનડગત થાય છે એ આપણે જોઈએ જ છીએ. સવાર-બપોર-સાંજ મસ્જિદોમાંથી પોકારાતી અજાનના કારણે લોકો ત્રસ્ત થઈ જાય છે. નાનાં બાળકો સૂઈ ના શકે, વિદ્યાર્થીઓ વાંચી ના શકે કે બીમાર લોકો આરામ ના કરી શકે એ રીતનું અવાજનું પ્રદૂષણ મસ્જિદોમાંથી ફેલાવાય છે પણ તેને રોકવા કશું થતું નથી. મુસ્લિમો જ આ ન્યુ સન્સ ફેલાવે છે એવું નથી, બીજાં ધર્મનાં લોકો પણ પાછળ નથી. આપણે ત્યાં અત્યારે ભગવાન રામની ભક્તિનો જુવાળ આવી ગયો છે તેથી સવારના પહોરમાં 5-6 વાગે ભક્તોની ટોળીઓ ’શ્રી રામ જય રામ જય જય રામ’ની ધૂન બોલાવતી નિકળી પડે છે. બીજા ભગવાનોને પણ વહેલી સવારે ધૂન બોલાવીને રીઝવવાના પ્રયત્નો થાય છે.
આ ભક્તજનોને ભગવાન બહેરા છે એવું લાગતું હશે એટલે શક્ય એટલા મોટા અવાજે ધૂન બોલાવે છે તેના કારણે નાનાં બાળકો કાચી ઊંઘમાંથી જાગી જાય છે ને રોકકળ કરી મૂકે છે. જૈનોની શોભાયાત્રાઓના કારણે ટ્રાફિક જામ થઈ જાય ને લોકો કલાકોના કલાકો અટવાઈ જાય એવું બને જ છે. બીજા ધર્મનાં લોકોની શોભાયાત્રાઓ વગેરેના કારણે પણ આ સમસ્યા સર્જાય જ છે. ગણેશોત્સવ વખતે રસ્તા પર મંડપો બાંધીને મૂર્તિની સ્થાપના કરી દેવાય ને મોડે સુધી મોટા અવાજે ગીતો વાગે તેના કારણે લોકો ત્રસ્ત થાય જ છે.
