મોરબી જિલ્લામાં બે નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેમાં હળવદ તથા વાંકાનેર નગરપાલિકાનો સમાવેશ થતો હતો અને રવિવારે સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી બંને નગરપાલિકા માટે થઈને ચૂંટણીનું મતદાન કરવામાં આવ્યું હતું અને શાંતિપૂર્ણ માહોલની વચ્ચે મતદારો દ્વારા પોતાના પસંદગીના ઉમેદવારોને ચૂંટી કાઢવા માટે મતદાન કરવામાં આવ્યું હતું .
અને જો વાત આંકડાકીય માહિતીની વાત કરીએ તો હળવદ નગરપાલિકામાં 63.61 અને વાંકાનેર નગરપાલિકામાં 51.52 ટકા જેટલું મતદાન નોંધાયું હોવાનું ચૂંટણી વિભાગના અધિકારી પાસેથી જાણવા મળ્યું છે.
આજે સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી હતી ત્યારે મોટાભાગના બૂથ ખાલી ખાલી જોવા મળ્યા હતા અને શરૂૂઆતની બે કલાકમાં મતદાનની ટકાવારી ખૂબ જ ઓછી જોવા મળી હતી ત્યારબાદ મતદારોને મતદાન બૂથ સુધી લઈ જવા માટે થઈને જુદી જુદી પાર્ટીઓના આગેવાનો દ્વારા મતદારોને બૂથ સુધી લઈ જવા માટે મહેનત કરવામાં આવી હતી જોકે લગ્ન ગાળો, તડકો વગેરે જેવા કારણોસર મતદાન સરેરાશ ઓછું થયું હોય તેવું હાલમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે ચૂંટણી વિભાગના અધિકારી સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે વાંકાનેર નગરપાલિકાની 15 બેઠકો માટે જે ચૂંટણીનું મતદાન યોજાયું છે તે 51.52 ટકા નોંધાયેલ છે.
અત્રે ઉલ્લેખીએ છે કે વાંકાનેર નગરપાલિકાની 28 પૈકીની 13 બેઠકો બિનહરીત થઈ ગઈ છે અને તેમાં 11 બેઠકો ભાજપને તથા એક બેઠક કોંગ્રેસ અને એક બેઠક બસપાને મળેલ છે અને સત્તા સ્થાન સુધી પહોંચવા માટે 15 બેઠક જેની પાસે હોય તે વાંકાનેર નગરપાલિકામાં સત્તા સ્થાન સુધી પહોંચી શકે છે જેથી કરીને ભાજપ માટે વાંકાનેર નગરપાલિકા કબજે કરવી આસાન છે તેવું કહી શકાય તેમ છે.
જ્યારે હળવદ નગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો 7 વોર્ડની 28 બેઠકો માટે થઈને રવિવારે મતદાન સવારથી મતદાન શરૂૂ કરવામાં આવ્યું હતું અને મતદારોને વહેલી તકે મતદાન બૂથ સુધી લઈ જવા માટે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું અને હળવદ નગરપાલિકા માટે સાંજ સુધીમાં કુલ મળીને 63.61 ટકા જેટલું મતદાન સરકારી ચોપડે નોંધાયેલ છે અત્રે ઉલ્લેખનીએ છે કે 28 બેઠકો માટે કુલ મળીને 70 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા અને તેમાંથી પસંદગીના ઉમેદવારોને ચૂંટી કાઢવા માટે થઈને હળવદની જનતા દ્વારા શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન કરવામાં આવ્યું છે આવી જ રીતે વાંકાનેર નગરપાલિકાની ચંદ્રપુર બેઠક અને માળીયા નગરપાલિકાની બેઠક માટે પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને હવે આગામી 18 ફેબ્રુઆરીના રોજ ઇવીએમ મશીનમાં પડેલા મતોની ગણતરી કરવામાં આવશે ત્યારે મતદારોએ કોના ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે તે ખબર પડશે.