જામનગરમાં યુવક કોંગ્રેસ અને NSUIનું અર્ધનગ્ન વિરોધ પ્રદર્શન

તાજેતરમાં યોજાયેલી નીટ પરીક્ષામાં ફરી એકવાર પેપર લીક થયાની ગંભીર ઘટના સામે આવતાં દેશભરના લાખો વિદ્યાર્થીઓમાં ભારે રોષ અને નિરાશા ફેલાઈ છે. દેશના અંદાજે બાવીસ…

તાજેતરમાં યોજાયેલી નીટ પરીક્ષામાં ફરી એકવાર પેપર લીક થયાની ગંભીર ઘટના સામે આવતાં દેશભરના લાખો વિદ્યાર્થીઓમાં ભારે રોષ અને નિરાશા ફેલાઈ છે. દેશના અંદાજે બાવીસ લાખથી વધુ મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થવાના આક્ષેપ સાથે આજે જામનગર શહેરમાં યુવક કોંગ્રેસ તથા એનએસયુઆઈ દ્વારા અર્ધનગ્ન અવસ્થામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જામનગરના ડી.કે.વી. સર્કલ ખાતે યોજાયેલા આ વિરોધ કાર્યક્રમમાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરો દ્વારા સરકાર વિરોધી સૂત્રોચ્ચારો સાથે પેપર લીક કૌભાંડ વિરુદ્ધ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વિરોધ દરમિયાન આગેવાનોએ પરીક્ષા પ્રણાલી, સુરક્ષા વ્યવસ્થા અને સરકારની બેદરકારી સામે આકરા પ્રહારો કર્યા હતા. પ્રદર્શન દરમિયાન આગેવાનોએ જણાવ્યું હતું કે, અગાઉ પણ નીટ પરીક્ષાનું પેપર લીક થયાની ઘટના બની હતી છતાં સરકાર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે આ વર્ષે ફરી એ જ પ્રકારની ઘટના સામે આવતા લાખો વિદ્યાર્થીઓના સપનાઓ અને મહેનત પર પાણી ફરી વળ્યું છે.

વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે અને જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈની લડત ચાલુ રહેશે.

આ વિરોધ કાર્યક્રમમાં મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ ગોહિલ, ડો. તોસીફખાન પઠાણ, શક્તિસિંહ જેઠવા, દેવરાજ ગોહિલ, કોર્પોરેટર સહારાબેન મકવાણા, રચનાબેન નંદાણીયા, અતુલભાઈ ભંડેરી, જયદીપસિંહ ઝાલા, હનીફ મલેક, એડવોકેટ કેતન ડોઢીયા, છત્રપાલસિંહ જાડેજા, કિશન નજાર, મોહસીન ખફી, હાજીદ બ્લોચ, ભારદ્વાજ મહેતા, અજયસિંહ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *