RMCએ ત્રણેય ઝોનમાં ચોમાસા પછી રસ્તાના કામ માટે બહાર પાડેલા ટેન્ડરમાં ધાર્યા બહારના ઉંચા ભાવ આવતા રિ-ટેન્ડર કરાયું
રાજકોટમાં રોડના પેચવર્કના કામ હોય કે પછી નવા રસ્તા બનાવવાના હોય પ્રજાના પરસેવાની કમાણીમાંથી ભરાતી મનપાની તિજોરી મોટાભાગે રોડના કામમાં જ ધરબાઇ જાય છે. વર્ષે કરોડો રૂૂપિયાનુ ધોવાણ થઇ જાય છે. તેની પાછળનું કારણ સ્પષ્ટ છે. રસ્તાના કામમાં થતો મસમોટો ભ્રષ્ટાચાર. જે ચોમાસામાં મોઢુ ફાડીને બહાર આવે છે. દરમિયાન ચોમાસા પછી શહેરના ત્રણેય ઝોનમાં રૂૂ.30 કરોડના ખર્ચે રસ્તાના કામ માટે બનેલા માસ્ટર પ્લાન મુજબ ટેન્ડર બહાર પાડવામા આવ્યુ હતુ. તેમા અધધધ85 ટકા ઉંચા ભાવ આવતા મનપાએ રિ-ટેન્ડર કર્યુ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના સેન્ટ્રલ ઝોન ઇસ્ટઝોન અને વેસ્ટઝોન વિસ્તારમાં માસ્ટર પ્લાન હેઠળ આંતરિક રોડ રસ્તા બનાવવા ઝોન વાઇઝ રૂૂ. 30 કરોડ મુજબ કુલ રૂૂ.90 કરોડના ટેન્ડર પ્રસિધ્ધ કરવામા આવ્યા છે. આ ટેન્ડર મુજબ ત્રણેય ઝોનમાં આંતરિક રોડ રસ્તાઓનું રીસ્ટોરેશન,રી કાર્પેટિંગ અને પેવર રોડ કરવા માટે વર્ષ 2026-27 અને 2027-28 એમ બે વર્ષની કામગીરી કરવાની છે. મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી માટે પ્રથમ વખત ટેન્ડર પ્રસિધ્ધ કરાયું ત્યારે એજન્સીઓ મહાનગરપાલિકાની તિજોરી ખાલી કરવા માંગતી હોય તેમ બે વર્ષની કામગીરી માટે 85 ટકા ઓન સાથે બીડ રજુ કરાવામાં આવી હતી. જો કે એજન્સીઓની આ ઓફર ફગાવી દઇને મહાનગરપાલિકાએ રી ટેન્ડર કર્યા છે.
બીજી એક વાસ્તવિકતા એ પણ છે કે, આ માસ્ટર પ્લાનના રોડ રસ્તાઓ પણ એટલા નબળા બને છે કે દરવર્ષે ચોમાસા દરમિયાન મહાનગરપાલિકાના આ માસ્ટરપ્લાનના રોડ રસ્તાઓ પણ બિસ્કિટની જેમ ભાંગીને ભુક્કો થઇ જાય છે. મહાનગરપાલિકા દ્વારા જેને કામગીરી સોંપવામાં આવી હોય તેવી એજન્સીઓને ન તો પેનલ્ટી કરવામાં આવે છે કે ન તો બ્લેક લિસ્ટ કરવામાં આવે છે. આમછતા દર વર્ષે ઉંચા ભાવે જ ટેન્ડરની લ્હાણી થાય જ છે.
મહાનગરપાલિકા દ્વારા હજી અનેક વિસ્તારોમાં ડીઆઇ પાઇપલાઇનની કામગીરી ચાલી રહી છે. ગત વર્ષે આવી કામગીરીને કારણે શહેરના મોટાભાગના રોડ રસ્તાઓમાં કાદવ કીચડ અને રબડી રાજ સર્જાયું હતું. આ પછી જનરલ બોર્ડમાં પણ શહેરમા કુલ કેટલાં ખાડા પડ્યા અને કેટલા ચોરસ કિલોમીટર રસ્તાની મરામત થઇ તેની વિગતો તંત્રએ જાહેર કરી હતી આમાં જ્યાં ડીઆઇ પાઇપ લાઇનની કામગીરી થઇ નહોતી તેવા વિસ્તારોના માસ્ટરપ્લાન હેઠળના રોડ રસ્તાઓનો પણ સમાવેશ થતો હતો. આમછતાં મહાનગરપાલિકાએ સંબંધિત એજન્સીઓ સામે કોઇ શિક્ષાત્મક પગલાં લીધા નહોતા.
શેટિંગ ડોટ કોમથી થાય છે ઉંચી ટકાવારીની ગોઠવણ
રોડના કામમાં ભ્રષ્ટાચારની એક લાંબી ચેનલ હોવાનું જગજાહેર જેવી વાત છે. સ્થાનિક નગરસેવકથી માંડી વોર્ડના ઇજનેર અને ત્યાથી ઉપર સુધી ટેબલ નીચેના વહીવટની ચોક્કસ ટકાવારી હોય છે અને આ ટકાવારી કાઢવા માટે કોન્ટ્રાક્ટર એ મુજબ જ ટેન્ડરમાં ઉંચા ભાવ ભરે છે. જે અંતે તો ક્ધયાના કેડ પર એટલે કે પ્રજાના ખંભે જ આવે છે. આ આખી રમતની મોડેસ ઓપરેન્ડી એવી હોય છે કે, પ્રથમ ટેન્ડરમાં ઉંચા ભાવ આવે એટલે રિ-ટેન્ડર થાય. તેમા થોડો એવો જ ફેરફાર થાય એટલે ઓનમાં પણ થાય છે કામની લ્હાણીનો વહીવટ.
