ગુરુ બન્યો ગઠિયો: દંપતી પાસેથી ઘરેણાં પડાવી પરિણીતાને બનાવી હવસનો શિકાર

વિંછીયા પંથકમાંથી ધર્મના નામે આચરવામાં આવેલા શારીરિક અને આર્થિક શોષણનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાને જ્ઞાની અને “ગુરુ” ગણાવતા એક શખ્સે પરણિતા…

વિંછીયા પંથકમાંથી ધર્મના નામે આચરવામાં આવેલા શારીરિક અને આર્થિક શોષણનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાને જ્ઞાની અને “ગુરુ” ગણાવતા એક શખ્સે પરણિતા સાથે “ગુરુ અને સેવક વચ્ચેનું અંતર ભાંગવું પડશે” તેમ કહી તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, ગઠિયાએ દંપતી પાસેથી લાખો રૂૂપિયાની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ પણ બળજબરીથી પડાવી લીધી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

મુજબ વીંછીયા પંથકમાં રહેતા દંપતીને પોતાની વાડીએ ભજન-સંતવાણીના કાર્યક્રમ માટે હાથસણી ગામના બહાદુરભાઈ મેરનો સંપર્ક કર્યો હતો. બહાદુરભાઈ મેર પોતાની સાથે હાથસણી દિનેશ ધીરૂૂભાઈ ધોરીયાને પણ લાવ્યા હતા. આ કાર્યક્રમ બાદ દિનેશનો મહિલાના પરિવાર સાથે પરિચય થયો હતો. ત્યારબાદ દિનેશ અવારનવાર રાત્રિના સમયે તેમની વાડીએ બેસવા આવતો હતો અને ખેતીકામમાં મદદ કરતો હોવાથી બંને પરિવારો વચ્ચે ઘર જેવો સંબંધ બંધાઈ ગયો હતો. દિનેશ ભજન-કિર્તન કરતો હોવાથી દંપતી તેને જ્ઞાની પુરુષ માનવા લાગ્યું હતું. દિનેશે પણ “આ દુનિયામાં જે કંઈ છે તે હું જ છું અને મારું ધાર્યું જ થાય છે” તેવી વાતો કરીને દંપતીને વિશ્વાસમાં લીધા હતા અને તેમની પાસે ગુરુ ઉપદેશ કરાવ્યો હતો.

આશરે એકાદ વર્ષ પહેલા દંપતી જ્યારે દિનેશની હાથસણી સ્થિત વાડીએ ગયું હતું, ત્યારે દિનેશે પરણિતાને કહ્યું હતું કે, “હવે હું ગુરુ છું અને તારે મારી સાથે અંતર ભાંગવું પડશે તથા તારું શરીર મને સોંપી દેવું પડશે.” આટલું કહીને તેણે મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ દિનેશ અવારનવાર મહિલા સાથે બળજબરીથી દુષ્કર્મ આચરતો હતો.

દુષ્કર્મ આચરવા ઉપરાંત આરોપી દિનેશે નાણાકીય શોષણ પણ શરૂૂ કર્યું હતું. તેણે મારુતિ સુઝુકી વેગનઆર ફોરવ્હીલ ગાડી ખરીદવા તેમજ અન્ય જરૂૂરિયાતો માટે દંપતી પાસેથી અવારનવાર રોકડ રકમ પડાવી હતી. રોકડની સગવડ ન હોય ત્યારે તેણે દંપતી પાસેથી સોનાની બે વીંટીઓ અને ચાંદીની લક્કી (પોચી) પણ પડાવી લીધી હતી. આટલેથી ન અટકતા, ચાર મહિના પહેલાં આરોપીએ પરણિતા પાસે તેના સાસરીયા પક્ષ તરફથી મળેલો સાડા ત્રણ તોલાનો સોનાનો હાર માંગ્યો હતો. મહિલાએ હાર આપવાની ના પાડતા દિનેશે તેને જાનથી મારી નાખવાની અને મોબાઈલમાં રહેલા ખરાબ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી બળજબરીથી સોનાનો હાર આંચકી લીધો હતો.

જ્યારે દંપતીએ પોતાના સોના-ચાંદીના તમામ ઘરેણાં પરત માંગ્યા, ત્યારે આરોપી દિનેશે ઘરેણાં વિંછીયા બેંકમાં મૂકી દીધા હોવાનું કહી “ઘરેણાં ભૂલી જજો” તેમ કહી આ અંગે પોલીસ ફરિયાદ કરશે તો બંનેને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી. આખરે આ ઢોંગી ગુરુના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને પરણિતાએ વિંછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *