ભારત સરકારે 28 ફેબ્રુઆરી સુધીમાં “સોલાર પાર્ક અને અલ્ટ્રા-મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ 54 સોલાર પાર્કને મંજૂરી આપી છે. આમાંથી, 7 સોલાર પાર્ક ગુજરાતમાં છે. આ યોજના હેઠળ 12,150 મેગાવોટ (ખઠ) મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા સાથે ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઊર્જા અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી શ્રીપાલ યેસો નાઈકે 10 માર્ચ, 2026 ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો લેખિત જવાબ આપતા આ માહિતી ઉપલબ્ધ બનાવી હતી. ગુજરાત પછી, રાજસ્થાન 10,726 મેગાવોટની મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા કુલ 11 સોલાર પાર્ક સાથે બીજા ક્રમે છે. દેશમાં 54 સોલાર પાર્કની કુલ મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા 39,188 મેગાવોટ છે.
પ્રોજેક્ટ્સના અમલીકરણમાં આવતી મુશ્કેલીઓ વિશે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, સોલાર પાર્ક યોજના સહિત સૌર ઊર્જા પ્રોજેક્ટના અમલીકરણમાં આવતા મુખ્ય પડકારોમાં મુખ્યત્વે જમીન સંપાદન, ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સના વિકાસ માટેની સમયરેખા સાથે તાલમેલ સાધવો, અને ટેરિફ અપનાવવામાં વિલંબ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે, મંત્રાલય સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય હિતધારકો સાથે નિયમિત બેઠકો અને વાતચીત દ્વારા આ પડકારોને હળવા કરવા માટેના તમામ જરૂૂરી પ્રયાસો કરી રહ્યું છે.
પરિમલભાઈ નથવાણી અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ યોજના હેઠળ વિકસિત અથવા વિકસાવવામાં આવી રહેલા સોલાર પાર્કની સંખ્યા, દેશમાં આ સોલાર પ્રોજેક્ટ્સની મદદથી ઉર્જા ઉત્પાદનના લક્ષ્યાંકોની વિગતો અને આ યોજનાના અમલીકરણમાં આવતા મુખ્ય પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે જાણવા માંગતા હતા.
