જૂનાગઢમાં સોની વેપારીને ત્યાં જીએસટી તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન

જૂનાગઢમાં લાંબા સમય બાદ GST વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવતા સોના-ચાંદીના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરના જાણીતા ’જે ડી જ્વેલર્સ’ ખાતે જીએસટી…

જૂનાગઢમાં લાંબા સમય બાદ GST વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવતા સોના-ચાંદીના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરના જાણીતા ’જે ડી જ્વેલર્સ’ ખાતે જીએસટી વિભાગની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ કામગીરી છેલ્લા બે દિવસથી ચાલી રહી છે, જેમાં આજે પણ ત્રણ કલાકથી વધુ સમય સુધી અધિકારીઓએ હિસાબોની ઝીણવટભરી તપાસ કરી હતી.

એક તરફ બજારમાં સોના અને ચાંદીના ભાવ પ્રતિદિન નવા રેકોર્ડ સર્જી રહ્યા છે અને કિંમતો આસમાને પહોંચી છે, ત્યારે બીજી તરફ ટેક્સ ચોરીની શંકાના આધારે જીએસટી વિભાગની ટીમો ત્રાટકતા સ્થાનિક જ્વેલર્સમાં ચિંતા જોવા મળી રહી છે. દરોડા દરમિયાન સ્ટોક રજિસ્ટર, ખરીદ-વેચાણના બિલ અને કિંમતી ધાતુઓના સ્ટોકની ગણતરી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે ડી જ્વેલર્સમાં હાથ ધરવામાં આવેલા સર્ચ દરમિયાન શંકાસ્પદ વ્યવહારો અને ટેક્સની વિસંગતતાઓને ધ્યાનમાં રાખીને મહત્વના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. હજુ પણ તપાસ ચાલુ હોવાથી અંતિમ આંકડો કામગીરી પૂર્ણ થયા બાદ જ સામે આવશે. જૂનાગઢમાં થયેલી આ આકસ્મિક કાર્યવાહીને પગલે અન્ય મોટા જ્વેલર્સ પણ સાવધ થઈ ગયા છે. વિભાગ દ્વારા આગામી સમયમાં અન્ય પેઢીઓ પર પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *