શાપર વેરાવળમાં GSPCની પાઇપ લાઇન તોડી 44 લાખના ગેસની ચોરી

ફોર્જીંગ કારખાનાના માલિક અને મહિલા ભાગીદાર સહિત ત્રણ સામે ફરિયાદ શાપર-વેરાવળ વિસ્તારમાં ગેસ ચોરીનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ગુજરાત ગેસ લિમિટેડની મુખ્ય હાઈ-પ્રેશર…

ફોર્જીંગ કારખાનાના માલિક અને મહિલા ભાગીદાર સહિત ત્રણ સામે ફરિયાદ

શાપર-વેરાવળ વિસ્તારમાં ગેસ ચોરીનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ગુજરાત ગેસ લિમિટેડની મુખ્ય હાઈ-પ્રેશર લાઈનમાં ગેરકાયદેસર રીતે હોલ પાડીને ’મેસર્સ ઇટર્નલ ફુડ પ્રોડકટ’ નામના કારખાનામાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી લાખો રૂૂપિયાની ગેસ ચોરીનો પર્દાફાશ થયો છે. આ મામલે કંપનીના એન્જિનિયરે ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રૂૂ.44.52 લાખના ગેસ ચોરી કરનાર ’મેસર્સ ઇટર્નલ ફુડ પ્રોડકટ’ નામના કારખાનાના માલિક અને તેના ભાગીદારો સામે ગુનો નોંધાયો છે.

ગુજરાત ગેસ લિમિટેડના ટેકનિકલ વિભાગમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ભાવસિંહ દીલીપસિંહ ડોડીયાએ આ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે ’મેસર્સ ઇટર્નલ ફુડ પ્રોડકટ’ નામના કારખાનાના સંચાલક રાજકોટ રહેતા દીપેનભાઈ વિઠ્ઠલભાઈ ઠુંમર , પરેશભાઈ લાખાભાઈ ઠુંમર, અને કાજલબેન દીપકભાઈ મેધનાથીનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તારીખ 13/04/2026 ના રોજ સાંજના સમયે કંપનીની ટીમ વેરાવળના વૈદાંતિ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ ’મેસર્સ ઇટર્નલ ફુડ પ્રોડકટ’ નામના કારખાનામાં સરપ્રાઈઝ ચેકિંગ માટે ગઈ હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, આ કારખાનાને 2023માં સત્તાવાર કનેક્શન આપવામાં આવ્યું હોવા છતાં, સંચાલકોએ કંપનીની જાણ બહાર મુખ્ય લાઈનમાં પંચર પાડી બીજું નવું ગેરકાયદેસર કનેક્શન મેળવ્યું હતું.

તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા માટે છેલ્લા એક વર્ષથી આ ગેરકાયદેસર જોડાણ વાપર્યું હતું. આ સમયગાળા દરમિયાન અંદાજે 64,343 યુનિટ ગેસની ચોરી કરવામાં આવી હતી, જેની કિંમત અંદાજે રૂૂ.44,52,951 જેટલી થવા જાય છે.

મહત્વની વાત એ છે કે, હાઈ-પ્રેશર લાઈન સાથે આ પ્રકારે છેડછાડ કરવી અત્યંત જોખમી સાબિત થઈ શકે તેમ હતી. જો પાઈપલાઈનમાં બ્લાસ્ટ થયો હોત તો મોટી જાનહાની કે દુર્ઘટના સર્જાઈ શકી હોત. પોલીસે આ મામલે કંપનીના દસ્તાવેજોના આધારે રાજકોટ રહેતા દીપેનભાઈ વિઠ્ઠલભાઈ ઠુંમર , પરેશભાઈ લાખાભાઈ ઠુંમર, અને કાજલબેન દીપકભાઈ મેધનાથી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે: તપાસ દરમિયાન હાજર રહેલા પરેશભાઈ અને કાજલબેને ગેરકાયદેસર ગેસ કનેક્શન વાપરતા હોવાની કબૂલાત પણ કરી હતી.શાપર-વેરાવળ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 287, 110, 303(2), 324(5), 317(4), 317(5), 54 અને ’પેટ્રોલિયમ અને મિનરલ્સ પાઈપલાઈન્સ એક્ટ 1962’ ની કલમ 15 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પી.આઈ આર.બી રાણા ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *