સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશન ફીની સરકારી આવકમાં પણ રૂા.295 કરોડથી વધુનું ગાબડું
વર્ષ 2024-25માં 1,59,825 દસ્તાવેજ નોંધાયેલ, 2025-26માં 46277 ઘટી ગયા
સૌથી વધુ ફટકો મવડી ઝોનને, અન્ય તમામ ઝોનમાં દસ્તાવેજોનું રજિસ્ટ્રેશન ઘટયું
રાજકોટ શહેર-જિલ્લામાં રીયલ એસ્ટેટ સેકટરમાં વર્ષ 2024-25ની સરખામણીએ વર્ષ 2025-26માં મંદીનું ગ્રહણ નડયુ છે અને શહેર- જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષમાં મિલકતોના દસ્તાવેજોની નોંધણીમાં 28.93 ટકા જેવો મોટો ઘટાડો નોંધાયો છે અને દસ્તાવેજોની નોંધણી ઘટતા સરકારની સ્ટેમ્પ ડયુટી તથા રજિસ્ટ્રેશન ફીની આવકમાં પણ 31 ટકા જેવો ઘટાડો થયો છે.
શહેર-જિલ્લાની 18 સબ રજિસ્ટ્રાર કચેરીમાં છેલ્લા બે નાણાકીય વર્ષ દરમિયાન નોંધાયેલા દસ્તાવેજો તથા રાજય સરકારને સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશન ફીની થયેલી આવકના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
નાણાકીય વર્ષ 2024-2025 (01/04/2024 થી 31/03/2025) દરમિયાન વાત કરવામાં આવે તો સમગ્ર શહેર – જિલ્લામાં કુલ 1,59,825 દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી હતી. આ દસ્તાવેજોની નોંધણી થકી કુલ ફી પેટે 1,35,36,91,155 રૂૂપિયાની આવક થઈ હતી.જ્યારે વપરાયેલ સ્ટેમ્પ ડ્યુટી ની રકમ 8,06,56,10,075 રૂૂપિયા રહી હતી. આ તમામ રકમ મળીને રાજ્ય સરકારની તિજોરીમાં કુલ 9,41,93,01,230 રૂૂપિયા (અંદાજે 941.9 કરોડ) ની માતબર આવક જમા થઈ હતી. નાણાકીય વર્ષ 2025-2026 (01/04/2025 થી 31/03/2026) ના આંકડાઓ પ્રોપર્ટીની લે-વેચમાં આવેલી મંદી તરફ ઈશારો કરે છે.
આ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ દસ્તાવેજોની સંખ્યા ઘટીને માત્ર 1,13,598 થઈ ગઈ છે. નોંધણી થકી મળેલ કુલ ફી ની આવક 92,49,31,855 રૂૂપિયા નોંધાઈ છે.વપરાયેલ સ્ટેમ્પ ડ્યુટીની રકમ પણ નોંધપાત્ર રીતે ઘટીને 5,53,60,97,748 રૂૂપિયા થઈ છે. આખા વર્ષની કુલ આવક 6,46,10,29,603 રૂૂપિયા (અંદાજે 646.1 કરોડ) રહી છે. આમ, એક જ વર્ષના ગાળામાં દસ્તાવેજોની સંખ્યામાં અંદાજે 46,000 થી વધુનો અને કુલ આવકમાં અંદાજે 295 કરોડ રૂૂપિયાનો ધરખમ ઘટાડો નોંધાયો છે.
રાજકોટ – 6 મવડી
વર્ષ 2024-25માં અહીં 15,576 દસ્તાવેજો સાથે કુલ 1,07,25,40,691 રૂૂપિયાની આવક થઈ હતી. વર્ષ 2025-26માં દસ્તાવેજોની સંખ્યા ઘટીને 10,724 રહી છે, જ્યારે કુલ આવક 66,92,65,854 રૂૂપિયા થઈ છે. વર્ષ 4,852 દસ્તાવેજો અને અંદાજે રૂૂ. 40.33 કરોડની આવકનો ઘટાડો નોંધાયો છે.
રાજકોટ-7 (કોઠારિયા)
વર્ષ 2024-25 માં 12,134 દસ્તાવેજો નોંધાયા હતા (કુલ આવક: રૂૂ. 57.92 કરોડ).વર્ષ 2025-26 માં 7,482 દસ્તાવેજો નોંધાયા (કુલ આવક: રૂૂ. 38.34 કરોડ)આ વર્ષમાં 4,652 દસ્તાવેજો અને અંદાજે રૂૂ. 19.58 કરોડની આવકમાં ઘટાડો નોંધાયો છે.
ગોંડલ
શહેરની બહાર ગોંડલ કચેરીમાં વર્ષ 2024-25માં 15,008 દસ્તાવેજોની નોંધણી સાથે 64,89,51,194 રૂૂપિયાની કુલ આવક મેળવાઈ હતી.વર્ષ 2025-26માં આ સંખ્યા ઘટીને 10,512 દસ્તાવેજો અને 51,81,83,576 રૂૂપિયાની આવક સુધી પહોંચી છે.આ વર્ષ 4,496 દસ્તાવેજો અને રૂૂ. 13.08 કરોડની આવકનો ઘટાડો નોંધાયો છે.
રાજકોટ-2 મોરબી રોડ
રાજકોટ-2 મોરબી રોડ વર્ષ 2024-25માં આ કચેરીમાં જિલ્લામાં સૌથી વધુ 19,447 દસ્તાવેજો નોંધાયા હતા અને કુલ 1,10,80,01,098 રૂૂપિયાની આવક થઈ હતી.જયારે વર્ષ 2025-26માં દસ્તાવેજોની સંખ્યા ઘટીને 15,389 થઈ ગઈ છે. અને આવક 78,96,54,602 રૂૂપિયા નોંધાઈ છે.4,058 દસ્તાવેજો અને રૂૂ. 31.84 કરોડની આવકનો ઘટાડો નોંધાયો છે.
રાજકોટ-3 (રતનપર)
વર્ષ 2024-25 માં 11,975 દસ્તાવેજો સાથે આવક: રૂૂ. 90.49 કરોડની આવક થઇ હતી. જે ઘટીને વર્ષ 2025-26 માં 8,130 દસ્તાવેજો (આવક: રૂૂ. 59.13 કરોડ).ઘટાડો: 3,845 દસ્તાવેજો અને રૂૂ. 31.36 કરોડનો ઘટાડો નોંધાયો છે.
રાજકોટ-5 (મવા) અને રાજકોટ-1
ગત વર્ષે 9,399 દસ્તાવેજો અને રૂૂ. 100.97 કરોડની આવક સામે આ વર્ષે 6,519 દસ્તાવેજો અને રૂૂ. 68.57 કરોડની આવક નોંધાઈ છે. 2,880 દસ્તાવેજોનો ઘટાડો નોંધાયો છે. રાજકોટ-1: ગત વર્ષના 10,398 દસ્તાવેજો રૂૂ. 59.53 કરોડ સામે આ વર્ષે 7,638 દસ્તાવેજો રૂૂ. 39.63 કરોડ નોંધાયા છે.2,760 દસ્તાવેજો ઘટાડો નોંધાયો છે.
રાજકોટ-4 (રૈયા) અને 8 રૂૂરલ (ગ્રામ્ય) રૈયા
વર્ષ 2024-25 માં 12,031 દસ્તાવેજો નોંધાયા હતા, જે 2025-26 માં ઘટીને 9,307 થઈ ગયા છે. આ વર્ષે 2,724 દસ્તાવેજો ઘટાડોનોંધાયો છે. (ગ્રામ્ય): 9,024 દસ્તાવેજોથી ઘટીને 6,386 દસ્તાવેજો થયા છે. 2,638 દસ્તાવેજો ઘટાડોનોંધાયો છે.
રાજકોટ શહેર ઉપરાંત તાલુકા કક્ષાની કચેરીઓમાં પણ દસ્તાવેજ નોંધણીનું પ્રમાણ તળિયે ગયું છે. જેમાં જેતપુરમાં 8,199 દસ્તાવેજો (2024-25) થી ઘટીને 5,900 (2025-26) થયા છે. લોધિકામાં 9,871 દસ્તાવેજોથી ઘટીને 7,268 થયા છે. જસદણમાં 5,785 દસ્તાવેજોથી ઘટીને 3,955 દસ્તાવેજો નોંધાયા છે.કોટડાસાંગાણીમાં 5,939 દસ્તાવેજોથી ઘટીને 4,139 થયા છે.ઉપલેટામાં 5,369 દસ્તાવેજોથી ઘટીને 3,785 થયા છે.ધોરાજીમાં 4,069 દસ્તાવેજોથી ઘટીને 2,822 થયા છે.પડધરીમાં 3,195 દસ્તાવેજોથી ઘટીને 2,109 નોંધાયા છે.જામકંડોરણામાં 1,362 દસ્તાવેજોથી ઘટીને માત્ર 845 દસ્તાવેજો થયા છે.વીંછીયામાં 1,044 દસ્તાવેજોની સામે આ વર્ષે સૌથી ઓછા માત્ર 688 દસ્તાવેજો જ નોંધાયા છે.
રાજકોટ જિલ્લાના તમામ સબ-રજિસ્ટ્રાર વિસ્તારોમાં નોંધપાત્ર પીછેહઠ જોવા મળી છે. મવડી, કોઠારિયા અને મોરબી રોડ જેવા વિસ્તારો કે જે ભૂતકાળમાં પ્રોપર્ટીના હોટસ્પોટ ગણાતા હતા, ત્યાં સૌથી મોટો ફટકો પડ્યો છે. દસ્તાવેજોની સંખ્યામાં થયેલો આ 46,227 નો મહાકાય ઘટાડો નોંધાયો છે.

