ભગવાન સ્વામિનારાયણના સમયથી તીર્થત્વ પામેલ બોટાદ જીલ્લાના સારંગપુરની પવિત્ર ભૂમિ પર આવતીકાલે રવિવાર તા. 8 માર્ચના રોજ BAPSના વડા મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ભવ્ય ’ફૂલડોલ ઉત્સવ’ (પુષ્પ દોલોત્સવ) ઉજવાશે. બ્રહ્મ સ્વરૂૂપ પ્રમુખસ્વામી મહારાજના સમયથી અત્યંત દબદબાભેર ઉજવાતી આ દિવ્ય પરંપરા આજે મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં એ જ ભવ્યતાથી ઉજવાઈ રહી છે. આ મહોત્સવમાં સહભાગી થવા માટે વિશ્વના પાંચેય ખંડોમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો અને હરિભક્તો સારંગપુર ઉમટશે.હજારો હરિભક્તો જ્યારે પધારવાના છે, ત્યારે સારંગપુરમાં રંગોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉત્સવની શોભા વિરાટ પાયે કરવામાં આવી છે. મુખ્ય ઉત્સવ માટે 7.5 લાખ ચોરસ ફૂટ જમીન પર એક વિશાળ સભામંડપ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં 125 ફૂટ લાંબો, 40 ફૂટ ઊંડો અને 40 ફૂટ ઊંચો એક ભવ્ય મુખ્ય મંચ બનાવવામાં આવ્યો છે. દૂર બેઠેલા ભક્તો પણ સારી રીતે દર્શન કરી શકે તે માટે સ્ટેજની મધ્યમાં અને બંને બાજુઓ મળીને કુલ 8 વિશાળ LED સ્ક્રીન ગોઠવવામાં આવી છે.
આટલા મોટા આયોજન અને દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે અત્યારે 5000 જેટલા સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ રાત-દિવસ ખડેપગે સેવા આપી રહ્યા છે. પધારનાર અતિથિ હરિભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે થોડા-થોડા અંતરે પૂછપરછ કેન્દ્રો અને સમગ્ર ઉત્સવપથ પર શીત પેયજલ (ઠંડા પાણી) ની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉત્સવના અંતે સૌના માટે ’સ્વામિ નારાયણીય ખીચડી’ના મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
