પ્રિ-સ્કૂલના નિયમ માટે સરકાર મક્કમ, નોંધણીમાં રાહતની શક્યતા

વિવાદ વચ્ચે એક વર્ષમાં માત્ર 400 પ્રિ-સ્કૂલનું રજિસ્ટ્રેશન, ભાડા કરાર મુદ્દે ચાલતી વિચારણા રાજ્યમાં ચાલતી પ્રિ-સ્કૂલોના રજિસ્ટ્રેશન અંગે એક વર્ષ પહેલા આપેલી મુદત રવિવારના રોજ…

વિવાદ વચ્ચે એક વર્ષમાં માત્ર 400 પ્રિ-સ્કૂલનું રજિસ્ટ્રેશન, ભાડા કરાર મુદ્દે ચાલતી વિચારણા

રાજ્યમાં ચાલતી પ્રિ-સ્કૂલોના રજિસ્ટ્રેશન અંગે એક વર્ષ પહેલા આપેલી મુદત રવિવારના રોજ પૂર્ણ થઈ છે. પ્રિ-સ્કૂલની નોંધણીને લઈને એક વર્ષથી રજિસ્ટર્ડ ભાડા કરાર સહિતના મુદ્દે વિવાદ ચાલતો હતો. જોકે, તેમાં હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. એક વર્ષમાં રાજ્યમાં માત્ર 400 જેટલી પ્રિ-સ્કૂલોનું જ રજિસ્ટ્રેશન થયું હોવાની વિગતો સામે આવી હતી. જે પ્રિ-સ્કૂલોનું રજિસ્ટ્રેશન થયું નહીં હોય તેમને તાળા મારવાની વાતો વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા રજિસ્ટ્રેશન માટેનું પોર્ટલ ચાલુ રાખ્યું છે, જે દર્શાવે છે કે આગામી દિવસોમાં રજિસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો થશે.

જોકે, હાલની સ્થિતિમાં રાજ્યમાં બંગલા કે સોસાયટીઓમાં ચાલતી હજારો પ્રિ-સ્કૂલોનું રજિસ્ટ્રેશન થયું ન હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્ય સરકાર દ્વારા 15 મે, 2023ના રોજ ઠરાવ બહાર પાડી ખાનગી પ્રિ- સ્કૂલોનું રેગ્યુલેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા 17 ફેબ્રઆરી, 2024ના રોજ પ્રિ-સ્કૂલોના રજિસ્ટ્રેશન અને મંજૂરીને લઈને માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં મંડળ નોંધણીનો દાખલો, સંસ્થાનું મકાન 15 વર્ષના રજિસ્ટર્ડ લીઝ પર હોવાના કિસ્સામાં સબ રજિસ્ટાર કચેરીમાં કરાવેલા રજિસ્ટર્ડ લીઝ, સંસ્થાનું મકાન વપરાશ યોગ્ય છે તે મતબલનું સક્ષમ અધિકારી દ્વારા અપાયેલી બિલ્ડિંગ યુઝ પરમિશન અને સક્ષમ અધિકારી દ્વારા ઈશ્યૂ કરવામાં આવેલું ફાયર એનઓસીની ચકાસણી કરવાનું નક્કી કરાયું હતું.

ઉપરાંત જો મકાન 9 મીટર કે તેથી ઓછી ઊંચાઈ ધરાવતું હોય તેવા કિસ્સામાં ફાયર સેફ્ટી સેલ્ફ ડેક્લેરેશન આપવાનું હતું.

આ ઉપરાંત પ્રિ-સ્કૂલના રજિસ્ટ્રેશન વખતે એક વર્ગ માટે રૂૂ. 5 હજાર જેટલી રજિસ્ટ્રેશન ફી નક્કી કરવામાં આવી હતી. આમ, આ તમામ સૂચનાઓના પગલે સંચાલકોમાં આક્રોશ ફેલાયો હતો. જેમાં ખાસ કરીને 15 વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરારને લઈને પ્રિ-સ્કૂલોનું રજિસ્ટ્રેશન થતું ન હોવાની વિગતો સામે આવી હતી. 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર માગવામાં આવ્યો હતો.

જે કોઈ કરી આપવા તૈયાર જ ન હોવાની ફરિયાદો ઉઠી હતી. આમ, છેલ્લા એક વર્ષથી વિભાગ અને સંચાલકો વચ્ચે આ મુદ્દે વિવાદ ચાલ્યો હતો.

આ મુદ્દે સરકાર સાથે બેઠક થયા બાદ પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. બીજી બાજુ રવિવારના રોજ પ્રિ-સ્કૂલ રજિસ્ટ્રેશનની એક વર્ષની મુદ્દત પૂર્ણ થઈ છે. અત્યાર સુધી રાજ્યની માત્ર 400 જેટલી પ્રિ-સ્કૂલોનું જ રજિસ્ટ્રેશન થયું હોવાનું સામે આવ્યું છે. જોકે, મુદ્દત પૂર્ણ થઈ છે ત્યારે હજુ પણ પ્રિ- સ્કૂલ રજિસ્ટ્રેશન માટેનું પોર્ટલ ચાલુ હોવાથી આગામી દિવસોમાં મુદ્દતમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે. આ ઉપરાંત રજિસ્ટર્ડ ભાડા કરાર મુદ્દે પણ સરકાર વિચારણા કરી રહી છે. જેથી હજુ જો, સરકાર મુદ્દતમાં વધારા માટે છૂટછાટ આપે ત્યારે રજિસ્ટર્ડ ભાડા કરારને લઈને પણ નિર્ણ લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *