‘તું અપંગ છો, તારી સાથે કોણ લગ્ન કરત’ કહી ગોંડલની પરિણીતાને સાસુ-સસરાએ ત્રાસ આપ્યો

ગોંડલ તાલુકાના મોવીયા ગામે એક અપંગ પરિણીતાને તેના સાસુ અને સસરા દ્વારા નાની-નાની બાબતોમાં ઝઘડા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાઈ…

ગોંડલ તાલુકાના મોવીયા ગામે એક અપંગ પરિણીતાને તેના સાસુ અને સસરા દ્વારા નાની-નાની બાબતોમાં ઝઘડા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ભોગ બનનાર પરિણીતા કોમલબેન આશિષભાઈ જાદવ (ઉંમર વર્ષ 30) એ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાના સાસુ મંજુલાબેન પરષોતમભાઈ જાદવ અને સસરા પરષોતમભાઈ હીરાભાઈ જાદવ વિરૂૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 85 અને 54 હેઠળ વિધિવત ગુનો નોંધાવ્યો છે.

મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના ખાન ખીજડીયા ગામના વતની અને હાલ મોવીયા ગામે રહેતા કોમલબેન પગે અપંગ હોવા છતાં, આજથી આશરે પાંચ વર્ષ પહેલાં બંને પરિવારોના સભ્યોની સંમતિ અને રાજીખુશીથી જ્ઞાતિના રીત-રિવાજ મુજબ આશિષભાઈ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન તેમને સાડા ત્રણ વર્ષનો એક દીકરો પણ છે. લગ્ન બાદ શરૂૂઆતમાં તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા હતા, પરંતુ પતિની મજૂરીના પૈસાના હિસાબ બાબતે સાસુ-સસરા અવારનવાર ઝઘડા કરતા હોવાથી, આ દંપતી છેલ્લા બે વર્ષથી તે જ મકાનના ઉપરના માળે અલગ રહેવા લાગ્યું હતું.

અલગ થયા બાદ પણ સાસુ અને સસરા દ્વારા અવારનવાર નાની બાબતોમાં કડવા વેણ બોલીને પરિણીતાને માનસિક રીતે હેરાન કરવામાં આવતી હતી. સાસુ મંજુલાબેન દ્વારા ’તું અપંગ છે, તને કોણ પરણીને લઈ જાત’ તેવા મેણા-ટોણા મારીને સતત હેરાન કરવામાં આવતી હતી. ગત તારીખ 25 મે 2026ના રોજ બપોરના સમયે સાસુ-સસરાએ કોઈપણ વાંક વગર પરિણીતા સાથે મોટો ઝઘડો કર્યો હતો, જેનાથી કંટાળીને આખરે પરિણીતાએ પોતાની બહેન અને બનેવી સાથે પોલીસ મથકે પહોંચી ન્યાયની ગુહાર લગાવી છે. હાલ ગોંડલ તાલુકા પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *