ગોંડલ ટોલનાકે પોલીસ ભરતીની દોડમાં નાપાસ થતાં યુવાને ડેટોલ પી લીધું

પોરબંદર જિલ્લાના કુતિયાણા ખાતે રહેતા અને પોલીસ ભરતીની તૈયારી કરતા 24 વર્ષીય સાહિલ ભરતભાઈ ચાવડાએ ગોંડલના પીપળીયા ટોલનાકા પાસે ડેટોલ પીને આપઘાતનો પ્રયાસ કર્યાની ચોંકાવનારી…

પોરબંદર જિલ્લાના કુતિયાણા ખાતે રહેતા અને પોલીસ ભરતીની તૈયારી કરતા 24 વર્ષીય સાહિલ ભરતભાઈ ચાવડાએ ગોંડલના પીપળીયા ટોલનાકા પાસે ડેટોલ પીને આપઘાતનો પ્રયાસ કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ગંભીર પગલું ભર્યા બાદ યુવાનને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સાહિલના પિતા રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને સાહિલ તેમનો એકમાત્ર પુત્ર છે, જેના કારણે આ અણધારી ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

સાહિલે તાજેતરમાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને તે પોલીસ વિભાગમાં જોડાવાના સ્વપ્ન સાથે સખત મહેનત કરી રહ્યો હતો. તે પોલીસ ભરતીની પરીક્ષા માટે નિયમિતપણે દોડની પ્રેક્ટિસ કરતો હતો.

થોડા દિવસો પહેલા જ જૂનાગઢ ખાતે પોલીસ ભરતી માટે યોજાયેલી દોડની કસોટીમાં તે નાપાસ થયો હતો. આ નિષ્ફળતા તેના માનસ પર ગંભીર અસર કરી ગઈ હતી અને તે તીવ્ર હતાશામાં સરી પડ્યો હતો.

આ જ માનસિક તણાવ અને નિરાશાના કારણે તેણે આવેશમાં આવીને આ અત્યંત જોખમી પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થઈ રહ્યું છે.આ ઘટનાની જાણ થતાં જ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સક્રિય થયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *