છેલ્લુ જનરલ બોર્ડ યોજાયું: પાંચ વર્ષના લેખા-જોખાની ચર્ચા
ભાજપ ની પુર્ણ બહુમત સાથેની ગોંડલ તાલુકા પંચાયતની વર્તમાન બોડી નાં પાંચ વર્ષ નાં શાસન ની મુદત અંતિમ જનરલ બોર્ડ ની બેઠક સાથે પુરી થઇ છે. તાલુકા પંચાયત ની તમામ એકવીસ બેઠકો પર ભાજપ નો ભગવો લહેરાતા વિપક્ષ વિહીન તાલુકા પંચાયત માં કેશરીયા રાજ છવાયું હતું. પ્રથમ શાસનમાં પ્રમુખ તરીકે ભાર્ગવભાઈ અંદીપરા અને ઉપપ્રમુખ તરીકે વસંતબેન કાછડીયા એ તથા બીજા અઢી વર્ષમાં પ્રમુખ તરીકે હીનાબેન ભરતભાઈ ઢોલરીયા અને ઉપપ્રમુખ તરીકે ચિરાગભાઈ ગોલે સતા ની ધુરા સંભાળી હતી. પાંચ વર્ષના આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગોંડલ તાલુકાની પ્રજાજનોના સુખાકારી અને સુવિધાઓ માટે રાજ્ય સરકાર તથા ભારત સરકારની વિવિધ યોજનાના લાભો ગામડાના છેવાડાના લોકો સુધી પહોંચાડવા સ્થાનિક વહીવટી તંત્રને વેગવંતુ કરી પૂરી નિષ્ઠા સાથે પ્રયાસો કરી પરિણામ લક્ષી કાર્યો કરેલ છે.
નોંધનીય વાત એ હતી કે વર્ષ 2024-25 દરમિયાન જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ તાલુકા પંચાયત તરીકેનો પુરસ્કાર ગોંડલ તાલુકા પંચાયતને મળેલ હતો. પાંચ વર્ષ દરમિયાન તાલુકા પંચાયત દ્વારા અંદાજિત 25.25 કરોડ જેટલા વિકાસના કામો પરિપૂર્ણ થયા છે. ઉપરાંત તાલુકા પંચાયત કચેરીમાં કે જ્યાં આખા તાલુકાના અરજદારો મુલાકાતે કે કામ સબબ આવતા હોય ત્યાં સમગ્ર કચેરીમાં સીસીટીવી કેમેરા, કચેરી ફરતે કમ્પાઉન્ડ વોલ, કચેરીનું નવીનીકરણ, અત્યાધુનિક સુવિધા સાથેના મીટીંગ હોલ તથા રેકર્ડ રૂૂમ સહિત કચેરી નું નવિનીકરણ કરાયું હતું. ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વર્તમાન ભારતીય જનતા પાર્ટીની બોડી જ્યારથી શાસનમાં આવી ત્યારથી લઇ અત્યાર સુધી છેવાડાના લોકો સહાયથી વંચિત ન રહે તે માટેના તમામ અથાગ પ્રયત્નો કરાયા છે.
તાલુકાના કોઈપણ ગામથી કોઈ અરજદાર તાલુકા પંચાયતે કામ સબબ આવે ત્યારે તે અરજદારને બીજો ધક્કો ના થાય અને એક જ દિવસમાં કામ પૂર્ણ થઈ જાય તે માટે તાલુકા પંચાયતે પદાધિકારીઓ તથા સદસ્યો હાજર રહી લોકહિતના કામો કરી લોકસેવાના સૂત્રને સાર્થક કરી પંચાયતી રાજ નું સરાહનીય દર્શન કરાવ્યું છે.તેવું પ્રમુખ હીનાબેન ઢોલરીયા,ઉપપ્રમુખ ચિરાગભાઈ ગોલ તથા કારોબારી અધ્યક્ષ ભાવિકાબા વાઘેલા ની યાદી નાં જણાવાયું છે.
