મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધથી વૈશ્વિક ઇંધણ સંકટ તીવ્ર બન્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને એલએનજીની આપ-લે અટકી જતાં વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 25%નો ઉછાળો આવ્યો છે અને ભાવ 120-140 પ્રતિ બેરલ સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સંકટથી ભારત સહિત 9 દેશોમાં ગેસ-પેટ્રોલની અછત અને લાંબી કતારો જોવા મળી રહી છે, જે લોકડાઉન જેવી સ્થિતિ સર્જી રહી છે.
યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા વૈશ્વિક તેલના 31% અને એલએનજીના મોટા ભાગ પર અસર પડી છે. સાઉદી અરેબિયા, યુએઈ, ઈરાક અને કુવૈત જેવા મુખ્ય ઉત્પાદક દેશોમાંથી તેલની નિકાસ અટકી ગઈ છે, જેનાથી વૈશ્વિક પુરવઠો 20% જેટલો ઘટ્યો છે.
આની અસરથી પેનિક બાયિંગ શરૂૂ થયું છે અને સરકારોએ રેશનિંગ, શાળા બંધ અને કામકાજમાં કાપ મૂક્યો છે.પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં 55 ઙઊંછ પ્રતિ લીટરનો વધારો થયો છે; શાળાઓ બે અઠવાડિયા માટે બંધ અને સરકારી કચેરીઓ માત્ર ચાર દિવસ ખુલ્લી રહેશે. બાંગ્લાદેશમાં મોટરસાયકલ માટે રોજ 2 લીટર અને કાર માટે 10 લીટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે; પંપ પર રસીદ તપાસીને હોર્ડિંગ અટકાવવામાં આવે છે. શ્રીલંકામાં 8% વધારો થયો છે, પરંતુ એપ્રિલ સુધી સ્ટોક પર્યાપ્ત છે.
ફ્રાન્સ અને પોલેન્ડમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો; પોલેન્ડમાં એક અઠવાડિયામાં 14% વધારો. જર્મનીમાં ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ઊર્જા ભાવ વધારાની ચિંતા વ્યક્ત કરી છે. વિયેતનામ અને ઈન્ડોનેશિયામાં બાયોફ્યુઅલ અને પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અમેરિકામાં ગેસોલિનના ભાવમાં 11 સેન્ટ પ્રતિ ગેલન વધારો થયો છે.
આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે યુદ્ધ લાંબુ ચાલશે તો ભાવ વધુ વધશે અને વૈશ્વિક અર્થતંત્ર પર ભારે અસર પડશે. સરકારો નાગરિકોને ઇંધણ બચાવવા, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઈબ્રિડ વાહનો અપનાવવાની અપીલ કરી રહી છે. આ સંકટ ભારતમાં પણ ગેસ-પેટ્રોલના ભાવ અને પુરવઠા પર અસર કરી રહ્યું છે, જ્યાં ઔદ્યોગિક ક્ષેત્રમાં રેશનિંગ અને ઘરગથ્થુ વપરાશને પ્રાથમિકતા આપવામાં આવી છે.
