બેટિંગ લાઇનઅપ લાંબી કરવામાં ટીમનું સંતુલન બગડ્યું
ભારતીય ટીમ ભલે આગામી મિશન માટે ન્યૂઝીલેન્ડ પહોંચી ગઈ હોય અને વેસ્ટ ઈન્ડિઝ સામેની ઝ20 સિરીઝ 2-2ની બરાબરી પર પૂરી થઈ હોય, પરંતુ ક્રિકેટના અનેક નિષ્ણાતો આ પરિણામથી બહુ ખુશ નથી.
પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટની રણનીતિમાં રહેલી મોટી ખામી અંગે ખુલ્લેઆમ વાત કરી હતી. પૂર્વ ઓપનરે કહ્યું કે હેડ કોચ ગૌતમ ગંભીરનો ઝુકાવ મલ્ટી સ્કિલ્ડ ખેલાડીઓ તરફ વધારે રહે છે. લિટલ માસ્ટરનું માનવું છે કે બેટિંગ લાઇનઅપ લાંબી કરવાના પ્રયાસમાં ટીમ ઈન્ડિયાનું સંતુલન બગડી રહ્યું છે. આ જ કારણથી ટીમ જીતેલી મેચો પણ હારી રહી છે. જિયો હોટસ્ટારના ’હાયર ક્રિકેટ લાઇવ’ પર ગાવસ્કરે કહ્યું કે ટીમને 4 મુખ્ય બોલર અને 2 ઓલરાઉન્ડરની જરૂૂર છે. તેમના મતે, બેટિંગ ઓર્ડરને 8મા નંબર સુધી લંબાવવાનો કોઈ અર્થ નથી.
સુનીલ ગાવસ્કરે કહ્યું કે, 5મી T20માં અમને બોલિંગ જોવા મળી જ નહીં. એ જોવું રસપ્રદ રહેત કે 9 ઓવરની આ રમતમાં ભારતીય બોલરો કેવી રીતે બોલિંગ કરત. તેમણે એ પણ જણાવ્યું કે બોલિંગમાં ટીમે ઓછામાં ઓછા 4 નિયમિત બોલરો સાથે મેદાનમાં ઊતરવું જોઈએ. પાંચમા અને છઠ્ઠા બોલર તરીકે એવા ઓલરાઉન્ડરોને રાખી શકાય, જેઓ બેટિંગ પણ કરી શકે. જેમ કે નમન ધીર બેટ્સમેન છે,પરંતુ 2-3 ઓવર બોલિંગ કરી શકે છે. અથવા અક્ષર પટેલ, જે પોતાની 4 ઓવર બોલિંગ કરી શકે છે, પરંતુ માત્ર 3 નિષ્ણાત બોલરોને રમાડવાનું પગલું ખૂબ જોખમી છે.
