ટેન્કરની ડ્રાઇવર કેબીન સુધી સિમિત રહેલી આગ સમયસર કાબૂમાં આવી ન હોત તો વિસ્ફોટ સાથે ભયંકર ર્દુઘટના સર્જાઇ શકત: ટેન્કરમાં પૂર્ણ ક્ષમતાનો ગેસ ભરેલો હતો
લૈયારા હાઇ-વે પર ગત રાત્રે સર્જાયા ભયાનક દ્રશ્યો: અન્ય વાહન ચાલકોમાં ભારે નાસભાગ
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોળ નજીક આવેલા લૈયારા ગામ પાસે શુક્રવારે રાત્રિના સમયે એલપીએજી ગેસ ભરેલા ટેન્કરની કેબીનમાં અચાનક આગ લાગી જતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે સમયસર ફાયર ટીમ અને પોલીસ દોડી આવતાં મોટી દુર્ઘટના ટળી હતી.
શુક્રવારે રાત્રે અંદાજે સાડા આઠ વાગ્યાના સમયે જામનગરથી રાજકોટ તરફ જઈ રહેલું એન.એલ.01 એ.એફ. 3195 નંબરનું એલપીએજી ગેસ ટેન્કર ધ્રોળ નજીક લૈયારા પાસે પહોંચ્યું ત્યારે તેની કેબીનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતા ટેન્કર ચાલકે સતર્કતા દાખવી ટેન્કર ઊભું રાખીને તરત નીચે ઉતરી ગયો હતો. જો કે થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરતાં ટેન્કરની કેબીન ભડકે બળવા લાગી હતી.
ઘટનાને પગલે માર્ગ ઉપરથી પસાર થતાં વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ગેસ ભરેલું ટેન્કર હોવાને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ વચ્ચે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આગની જ્વાળા નો નજારો જોવા મળતાં અનેક લોકોએ પોતાના મોબાઇલ ફોનમાં વીડિયો ઉતાર્યા હતા, જે બાદમાં જામનગર પંથકમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ બનાવની જાણ થતાં જ ધ્રોળ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.વી. રાઠોડ, હેડ કોન્સ્ટેબલ ડી.પી. વઘોરા, રવિરાજસિંહ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સૌપ્રથમ સુરક્ષાના ભાગરૂૂપે ગેસ ટેન્કરની આસપાસનો વિસ્તાર કોર્ડન કરીને વાહન વ્યવહાર રોકી દીધો હતો.
ત્યારબાદ ધ્રોળ નગરપાલિકાની ફાયર શાખાની ટીમ અને અન્ય કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ માત્ર ટેન્કરની કેબીન સુધી મર્યાદિત રહેતા ટેન્કરમાં ભરેલા ગેસ સુધી જ્વાળા પહોંચી નહોતી, અને તેથી મોટી જાનહાનિ તથા વિસ્ફોટ જેવી ગંભીર દુર્ઘટના ટળી હતી.
ઘટના સ્થળની બન્ને બાજુ પાંચ કિ.મી.નો ટ્રાફિક જામ
બનાવને કારણે જામનગર-રાજકોટ હાઈવે ઉપર ધ્રોળ નજીક બંને તરફ અંદાજે પાંચ-પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. લાંબા સમય સુધી વાહનોની કતારો લાગી જતા વાહનચાલકો ભારે પરેશાન બન્યા હતા. પોલીસ તથા ફાયર વિભાગની દોઢેક કલાકની જહેમત બાદ પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. બાદમાં ગેસ કંપનીની હાઇડ્રોલિક મશીનરી સાથેની ટીમ તેમજ ક્રેઇન ઘટના સ્થળે પહોંચી હતી, અને બળેલા ટેન્કરને રસ્તાની સાઇડમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ બંને તરફનો વાહન વ્યવહાર પુન: શરૂૂ કરાવવામાં આવ્યો હતો.
