જામનગર માં મહાનગર પાલિકાના કચરાના વાહને મજુર અદાલત પાસે જ સરકારી મોટરને સામે થી ટક્કર મારી દેતાં અધિકારીએ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને દોડતા કરી દીધા હતા. આ ઘટના માં ડ્રાઈવર પાસે લાયસન્સ ન હોવાનું સામે આવવા સાથે તેઓનું પગારમાં પણ શોષણ થતું હોવાનો મુદ્દો સામે આવતાં ઉચ્ચ અધિકારીએ કોર્પોરેશનના અધિકારીઓનો રીતસરનો ઉધડો લીધો હતો. ગુરુવાર બપોર ની ઘટનાની વિગતો મોડે મોડેથી પ્રકાશ માં આવી છે.
જામનગરમાં સફાઈના કોન્ટ્રાક્ટર ચલાવતા વાહનો ડ્રાઇવરો આડેધડ વાહન ચલાવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ફરિયાદોમાં તથ્ય હોય તેવી ઘટના સામે આવી છે. ગુરુવારે બપોરે ગુલાબનગર રોડ ઉપર સેવા સદન – 4 માં આવેલી લેબર કોર્ટ બહાર સરકારી મોટર ને જ કચરાનું વાહન આડેધડ ચલાવતા ડ્રાઈવરે સામે થી ભટકાડીને અકસ્માત સર્જી દેતા મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ શાખાના અધિકારી, વકીલ વગેરે દોડતા થઈ ગયા હતા.
આ સમયે ઉચ્ચ અધિકારીએ લાયસન્સ માંગતા ડ્રાઈવર પાસે લાયસન્સ ન હોવાનું સામે આવ્યું હતું. તેથી અધિકારીએ રોડ ઉપર થી નીકળતા કચરા ના અન્ય વાહનો પણ રોકવા સુચના આપી હતી. જે તમામ ડ્રાઈવરોના લાયસન્સ પણ ન હોવાનું સામે આવતાં ઉચ્ચ અધિકારી એ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓનો રોડ ઉપર જ ઉધડો લીધો હતો. જો કે, આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
