રાજકોટ જિલ્લામાં જાન્યુઆરી મહિના દરમિયાન રિયલ એસ્ટેટ માર્કેટમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. ડિસેમ્બર 2025 માં થયેલી ₹80.19 કરોડની કુલ આવકની સામે જાન્યુઆરી 2026 માં આ આંકડો ઘટીને ₹72.89 કરોડ પર પહોંચ્યો છે. આ ઘટાડામાં શહેરના પોશ અને વિકસતા વિસ્તારોની કચેરીઓનો મુખ્ય ફાળો રહ્યો છે. કમુરતાના લીધે દસ્તાવેજ નોંધણીની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
આંકડાકીય વિશ્ર્લેષણ મુજબ, મોરબી રોડ (રાજકોટ-2) વિસ્તારમાં સૌથી વધુ ગાબડું જોવા મળ્યું છે, જ્યાં આવક ₹8.45 કરોડથી ઘટીને ₹7.56 કરોડ થઈ ગઈ છે. તેવી જ રીતે મવા (રાજકોટ-5) વિસ્તારમાં પણ નોંધણીની સંખ્યા અને આવક બંનેમાં પીછેહઠ જોવા મળી છે. બીજી તરફ, રાજકોટ-1 જેવી જૂની કચેરીઓમાં આવકમાં મામૂલી સુધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે શહેરના મધ્ય વિસ્તારોમાં મિલકતની લે-વેચ સ્થિર રહી છે.
સમગ્ર રીતે જોતા, દસ્તાવેજોની સંખ્યામાં થયેલો 344નો ઘટાડો અને કુલ આવકમાં અંદાજે ₹7.30 કરોડનો તફાવત એ સૂચવે છે કે જાન્યુઆરી માસમાં મોટા મૂલ્યના પ્રીમિયમ સોદાઓમાં ઘટાડો થયો છે.
જોકે, ફેબ્રુઆરી માસમાં નવી સ્કીમો અને બજારની ગતિવિધિઓને જોતા ફરીથી ઉછાળો આવવાની આશા સેવાઈ રહી છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો પણ દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડયુટી ફીની આવકમાં ઘટાડો થયો છે. વિંછીયા સબરજીસ્ટ્રાર કચેરીમાં ફકત 86 દસ્તાવેજ નોંધાયા હતાં. કંડોરણામાં 127 અને ધોરાજીમાં 330 દસ્તાવેજો નોંધાયા હતાં. રાજકોટ શહેરનાં મોરબી રોડ અને તાલુકા વિસ્તારમાં આવેલ ગોંડલ સબરજીસ્ટ્રારમાં દસ્તાવેજ નોંધણીની સંખ્યામાં ખાસ ફેર પડયો ન હતો. ત્યાં તજીનો માહોલ જોવા મળ્યો હતો.

