કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અને મૂળ જામ રાવલ ગામના વતની દિનેશભાઈ જેરામભાઈ પૈડા નામના 66 વર્ષના સોની વેપારીની ભાટિયા ગામમાં ચાવડા માર્કેટમાં આવેલી સોની દિનેશભાઈ જેરામભાઈ નામની દુકાનમાં ગત તા. 23 જૂનના રોજ સવારના સમયે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો. અહીં આવેલા શખ્સે પોતાને સોનાના દાગીનાની ખરીદી કરવી હોય, તે બાબતે સોની વેપારીને વિશ્વાસમાં લઈ લીધા હતા.
આ દરમિયાન આ અજાણ્યા શખ્સએ યેનકેન પ્રકારે સોનાના બે નંગ ચેન મેળવી લીધા હોવાનું ખુલવા પામ્યું હતું. આમ, કુલ રૂૂપિયા 4,31,000 ની કિંમતના 27.710 ગ્રામ વજનના સોનાના બે ચેન વિશ્વાસઘાત કરીને લઈ ગયો હોવાનું સોની વેપારી દિનેશભાઈ પૈડાની પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર ઘટના સંદર્ભે કલ્યાણપુર પોલીસે અજાણ્યા શખ્સ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવે ભાટિયા ગામના વેપારી આલમમાં ભારે ચર્ચા જગાવી છે.
યુવાન ઉપર હુમલો
ખંભાળિયાના ધરારનગર વિસ્તારના રહેતા વિરમભાઈ લખમણભાઈ સરસિયા નામના 22 વર્ષના યુવાન અહીં યોગેશ્વરનગર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કોઈ કારણોસર તેમને માર્ગમાં અટકાવી અને રવિ પાલા, ગોવિંદ પાલા, રાજુ પાલા, અને ભાયલો વકાતર નામના ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર મારી, હાથમાં પહેરેલા કડા વડે ઇજાઓ કર્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ઈક્કો કાર-સ્કૂટર વચ્ચે અકસ્માત
દ્વારકા નજીકના હાઈવે પર ખોડીયાર ચેક પોસ્ટ પાસેથી એક્ટિવા સ્કૂટર પર જઈ રહેલા વરજાંગભા ખેરાજભા માણેક તથા તેમની પાછળ બેઠેલા તેમના ભાણેજ રોહિત બહાદુરસિંહ સુમણીયા સાથેના આ એક્ટિવા સ્કૂટરને પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 બી.જી. 6311 નંબરના ઈક્કો મોટર કારના ચાલક હાર્દિક રમેશભાઈ ઉનાવા (રહે. અમરેલી) એ પાછળથી ઠોકર મારતા એક્ટિવા ચાલક વરજાંગભાને માથાના ભાગે હેમરેજ સહિતની નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક્ટિવાની પાછળ બેઠેલા રોહિતને પણ સામાન્ય ઇજાઓ થવા પામી હતી.
આ બનાવ અંગે દ્વારકા પોલીસે વરજાંગભાના ભાણેજ થોભણભા બહાદુરસિંહ સુમણીયાની ફરિયાદ પરથી હાર્દિક રમેશભાઈ ઉનાવા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
દારૂૂ-બિયર સાથે ત્રણ ઝડપાયા
ખંભાળિયા તાલુકાના દખણાદા બારા ગામે રહેતા હરદીપસિંહ પ્રવિણસિંહ જાડેજા નામના 22 વર્ષના શખ્સને વિદેશી દારૂૂની ચાર નાની બોટલ (ચપટા) સાથે સલાયા મરીન પોલીસે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે જામનગરના યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજાનું નામ ખુલવા પામ્યું છે.
કલ્યાણપુર પોલીસની કાર્યવાહીમાં કેનેડી ગામના જયેશ ટપુભાઈ કણજારીયાને રૂૂ. 2,200 ની કિંમતના બિયરના 10 ટીન સાથે તથા રાવલ-હનુમાનધારના પાલા રાજુ સાઈસ નામના શખ્સને વિદેશી દારૂૂની એક બોટલ સહિત કુલ રૂૂ. 21,100 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
