લાલપુર તાલુકામાં અદાણી કંપનીના સોલાર પ્લાન્ટના સિક્યુરિટી કોન્ટ્રાક્ટને લઈને ચાલી રહેલો વિવાદ હિંસક બન્યાનો બનાવ સામે આવ્યો છે. ટેરિયર સિક્યુરિટી સર્વિસના બ્રાંચ હેડની કારને કાળા રંગની સ્કોર્પિયોથી આંતરી સાત શખ્સોએ કારના કાચ તોડી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે જે.ડી. સિક્યુરિટીના હેડ સહિત સાત શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ 31 વર્ષીય મનમોહનસિંહ અમરેન્દ્રપ્રસાદસિંહ તોમર ટેરિયર સિક્યુરિટી સર્વિસમાં બ્રાંચ હેડ તરીકે ફરજ બજાવે છે. તેમની કંપની દ્વારા લાલપુર તાલુકાના હરીપર સહિતના વિસ્તારમાં આવેલી અદાણી કંપનીની સાઇટ પર સુરક્ષા સેવા પૂરી પાડવામાં આવતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. અગાઉ આ સિક્યુરિટીનું કામ જે.ડી. સિક્યુરિટી પાસે હતું અને ત્યારબાદ ટેરિયર સિક્યુરિટી સર્વિસને કામ મળતાં બંને પક્ષ વચ્ચે વિવાદ સર્જાયો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ જે.ડી. સિક્યુરિટીના હેડ દ્વારા અગાઉ ફોન કરીને સિક્યુરિટીનું કામ બંધ કરવા તથા કામ પોતાની એજન્સીને આપવા દબાણ કરવામાં આવ્યું હતું તેમજ ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ બાબતને લઈને બંને પક્ષ વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો.
દરમિયાન તા. 25 સપ્ટેમ્બર, 2026ના સાંજના સમયે મનમોહનસિંહ પોતાની હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર નં. જીજે-01-કેસી-7132 લઈને લાલપુર તરફથી જામનગર તરફ જઈ રહ્યા હતા. તે સમયે મુરીલા ગામથી આગળ ગોળાઈ નજીક કાળા રંગની સ્કોર્પિયો કાર તેમની પાછળ આવી હતી. સ્કોર્પિયોએ તેમની કારને ઓવરટેક કરી આગળ ઊભી રાખી રસ્તો રોક્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
સ્કોર્પિયોમાંથી જે.ડી. સિક્યુરિટીના હેડ સહિત છ અન્ય શખ્સો નીચે ઉતર્યા હતા. તેમની પાસે લાકડાના ધોકા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મનમોહનસિંહે જોખમ જણાતાં પોતાની કારના દરવાજા અંદરથી બંધ કરી દીધા હતા, પરંતુ હુમલાખોરોએ કારના કાચ તોડી નાખ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ કારના તૂટેલા કાચમાંથી લાકડાના ધોકા વડે મનમોહનસિંહને માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેમના જમણા હાથના ભાગે ઈજા થઈ હતી. હુમલાખોરોએ કારના કાચ ઉપરાંત કારના અન્ય ભાગોમાં પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હુમલા દરમિયાન મનમોહનસિંહ પોતાની કાર હંકારી ત્યાંથી બચી નીકળ્યા હતા અને સીધા લાલપુર પોલીસ મથકે પહોંચ્યા હતા.
લાલપુર પોલીસે બનાવમાં સંડોવાયેલા અન્ય શખ્સોની ઓળખ, હુમલામાં વપરાયેલી કાળા રંગની સ્કોર્પિયો કારની વિગતો તેમજ સિક્યુરિટી કોન્ટ્રાક્ટના વિવાદ પાછળના સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ શરૂૂ કરી છે. બનાવ અંગે વધુ તપાસ પોલીસ અધિકારી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
