દ્વારકામાં યાત્રાળુઓના ખિસ્સા કાપતી ટોળકી ઝડપાઇ

યાત્રાધામ દ્વારકામાં દિવાળીના વેકેશન દરમિયાન દ્વારકાધીશ મંદિરે દર્શનાર્થે આવતા યાત્રાળુઓની ભીડનો લાભ લઈ ખિસ્સાકાતરું કરતી હોવાની શંકાસ્પદ ટોળકીના છ શખ્સોને દ્વારકા પોલીસે ઝડપી પાડ્યા છે.…

યાત્રાધામ દ્વારકામાં દિવાળીના વેકેશન દરમિયાન દ્વારકાધીશ મંદિરે દર્શનાર્થે આવતા યાત્રાળુઓની ભીડનો લાભ લઈ ખિસ્સાકાતરું કરતી હોવાની શંકાસ્પદ ટોળકીના છ શખ્સોને દ્વારકા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રૂૂ. 1.40 લાખની રોકડ, પાંચ મોબાઈલ ફોન અને સ્વિફ્ટ કાર સહિત કુલ રૂૂ. 3.81 લાખનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે ગુનો નોંધ્યો છે.

બાતમીના આધારે પોલીસે શકમંદોની તપાસ હાથ ધરતાં છ શખ્સો મળી આવ્યા હતા. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, આરોપીઓ એકબીજાની મદદથી ટોળકી બનાવી ભીડમાં કોઈ વ્યક્તિને નિશાન બનાવતા હતા. ત્યાર બાદ તેની આગળ અને પાછળ ગોઠવાઈ ધક્કામુક્કીનો લાભ લઈ ખિસ્સા તથા પર્સમાંથી રોકડ રકમની ચોરી કરતા હોવાનો આરોપ છે. આ બનાવમાં પોલીસે રાજકોટના રાજેશ ગોવિંદભાઈ મકવાણા, મેહુલ બાબુલાલ ટંકારીયા, રવી રમેશભાઈ કનોજીયા, નુરમામદ હુસેનભાઈ માલાણી, જીતેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ સરવૈયા તથા જૂનાગઢના બાબુ મગનભાઈ પરમાર સામે કાર્યવાહી કરી, આ તમામ છ શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે.

દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. આર.એલ. ચોપડા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે રૂૂ. 1,40,000ની રોકડ રકમ સાથે રૂૂ. 41,000ની કિંમતના પાંચ મોબાઈલ ફોન તથા રૂૂ. બે લાખની કિંમતની સ્વિફ્ટ કાર મળી કુલ રૂૂ. 3,81,000નો મુદ્દામાલ શંકાસ્પદ મિલકત તરીકે પોલીસે કબજે લીધો હતો.આરોપી રાજેશ ગોવિંદ મકવાણા સામે રાજકોટ રેલવે પોલીસ મથક સહિતના બે ગુનાઓ તેમજ અન્ય આરોપી મેહુલ બાબુલાલ ટંકારીયા સામે રાજકોટ સીટી એ ડિવિઝન, ગોંડલ સીટી પોલીસ તેમજ ચોટીલા પોલીસ મથકમાં પણ બે ગુનાઓ મળી કુલ પાંચ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે અન્ય એક આરોપી બાબુ મગન પરમાર સામે વંથલી, વેરાવળ અને જેતપુરમાં જુદા જુદા ત્રણ ગુનાઓ સહિત તેની સામે અગાઉ પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હોવાનું વધુમાં જાહેર થયું છે.

આ કાર્યવાહી દ્વારકામાં પી. આઈ. એમ.જી. જાડેજા, પી. એસ.આઈ. આર.એલ. ચોપડા, એ. એસ.આઈ. બળવંતસિંહ ચૌહાણ, રાણાભાઈ વાઘેલા, હરપાલસિંહ ઝાલા, થારીયાભાઈ સુમણીયા, હરપાલસિંહ જાડેજા, કુલદીપભાઈ ખુમાણ, જેસાભાઈ આંબલીયા અને દેવેન્દ્રસિંહ જાડેજાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *