ગોંડલના વેપારી પાસે જીએસટીના નામે ખંડણી વસૂલતી ટોળકીનો પર્દાફાશ

યાર્ડના વેપારી પાસેથી 21 લાખ પડાવી વધુ રૂપિયા પડાવવા ધમકી આપતા પોલીસ ફરિયાદ ફેસબુક ઉપર બોગસ પેઢી હોવાના આક્ષેપ ભરેલી પોસ્ટ કરી બદનામ કરવાનો ડર…

યાર્ડના વેપારી પાસેથી 21 લાખ પડાવી વધુ રૂપિયા પડાવવા ધમકી આપતા પોલીસ ફરિયાદ

ફેસબુક ઉપર બોગસ પેઢી હોવાના આક્ષેપ ભરેલી પોસ્ટ કરી બદનામ કરવાનો ડર બતાવી પૈસા પડાવનાર યુધ્ધ એજ કલ્યાણ ગ્રૂપના પિયુષ રાદડિયા સહિત 3ની ધરપકડ

ગોંડલ શહેરમાં વેપારીઓને ડરાવી-ધમકાવી આયોજનબદ્ધ રીતે ખંડણી વસૂલતી એક રીઢા ગુનેગારોની ટોળકીનો પર્દાફાશ થયો છે. કપાસનો વેપાર કરતા ગોંડલના એક પ્રતિષ્ઠિત વેપારીની પેઢીને સોશિયલ મીડિયા પર જીએસટી કૌભાંડમાં સંડોવાયેલી દર્શાવી, તેને બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપીને રૂ. 21 લાખની માતબર રકમ પડાવી લેવામાં આવી હોવાની સનસનાટીભરી વિગતો પ્રકાશમાં આવી છે. આ અંગે ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ મથકે ચાર શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી યુદ્ધ એ જ કલ્યાણ ગ્રૂપના પિયુષ રાદડિયા સહિત ત્રણની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, ગોંડલના ચોકસી નગરમાં રહેતા અને નવા માર્કેટીંગ યાર્ડ પાસે ’જાસ્વી ટ્રેડિંગ’ નામે કપાસનો વ્યવસાય કરતા વેપારી મેહુલભાઈ ભરતભાઈ રૈયાણીએ આ અંગે હિતેશ સાકરીયા (રહે. મોટા ભાદરા), પીયુશ રાદડીયા (રહે. ગોંડલ), ભૌતીક બોઘરા (રહે. ચરખડી) અને એક અજાણ્યા કાળો કોટ પહેરેલ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આશરે ત્રણેક મહિના પહેલાં વેપારી પાસેથી પૈસા પડાવવા માટે એક પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. આરોપી ભૌતીક બોઘરાએ ફરિયાદીની પેઢીની ગુપ્ત માહિતી મેળવી અન્ય આરોપી હિતેશ સાકરીયાને આપી હતી.

હિતેશ સાકરીયાએ પોતાના ફેસબુક આઈડી પર એક નકલી અરજી પોસ્ટ કરી, જેમાં ફરિયાદીની પેઢી સહિત અન્ય પેઢીઓ બોગસ બિલિંગ અને કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કરતી હોવાનો ખોટો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર આ પોસ્ટ જોઈને ગભરાઈ ગયેલા વેપારીએ ગોંડલના જ પીયુશ રાદડીયાનો સંપર્ક સાધ્યો હતો. પીયુશ રાદડીયાએ આ બાબતનો ફાયદો ઉઠાવી વેપારીને પોલીસ અને જીએસટી વિભાગમાં ફસાવી દેવાની અને ધંધો ચોપટ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ ગોંડલ કોર્ટ પાસે વેપારીને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા, જ્યાં પીયુશ રાદડીયા, હિતેશ સાકરીયા અને કાળો કોટ પહેરેલા એક અજાણ્યા વકીલ જેવા શખ્સે ભેગા મળી વેપારી પાસે શરૂઆતમાં રૂ. 30 લાખની માંગણી કરી હતી.

અંતે રૂ. 21 લાખ આપવાનું નક્કી થયું હતું અને જો આ વાત કોઈને કહેશે તો ’આખી જિંદગી પગ પર ઊભા નહીં રહી શકો’ તેવી ધમકી આપવામાં આવી હતી. ડરી ગયેલા વેપારીએ પોતાની એક્ટિવા મોટરસાયકલની ડેકીમાં 21 લાખ રૂપિયા લાવી આરોપીઓની એક્સયુવી કારમાં આપ્યા હતા.

ટોળકીએ રૂ. 21 લાખ પડાવી લીધા બાદ થોડો સમય સોશિયલ મીડિયા પરથી પોસ્ટ હટાવી દીધી હતી. પરંતુ ગુનાહિત માનસ ધરાવતા આરોપીઓની ભૂખ સંતોષાઈ નહોતી. પાંચ દિવસ પહેલાં આરોપી હિતેશ સાકરીયાએ વેપારીને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ કર્યો હતો. તેણે જણાવ્યું કે અગાઉ આપેલા તમામ પૈસા પીયુશ રાદડીયા લઈ ગયો છે અને તેના ભાગના પૈસા મળ્યા નથી. આથી તેણે વધુ રૂ. 21 લાખની માંગણી કરી ફરીથી સોશિયલ મીડિયા પર બદનામ કરવાની અને પોલીસમાં અરજી કરવાની ધમકી આપી હતી. જો વેપારી પોલીસ પાસે જશે તો તેને જાનથી મારી નાખવાની ગર્ભિત ધમકી પણ આપવામાં આવી હતી.

સતત મળતી ધમકીઓ અને બ્લેકમેલિંગથી કંટાળીને આખરે વેપારી મેહુલભાઈ રૈયાણીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે હિતેશ સાકરીયા (રહે. મોટા ભાદરા), પીયુશ રાદડીયા (રહે. ગોંડલ), ભૌતીક બોઘરા (રહે. ચરખડી)ની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસની જાહેર જનતાને અપીલ
ગોંડલ બી ડિવિઝન પોલીસે જનતાને અપીલ કરી છે કે, જો અન્ય કોઈ વ્યક્તિ પણ આ આરોપીઓ અથવા અન્ય કોઈની ખંડણી કે બળજબરીથી પૈસા પડાવવાની ઘટનાનો ભોગ બની હોય, તો તેમણે મુક્તપણે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો રૂબરૂ સંપર્ક કરવો અથવા ફોન નંબર 63596 25709 પર તેમજ રાજકોટ ગ્રામ્ય કંટ્રોલ રૂમ નંબર 0281 2477334 અથવા 7433911100 પર જાણ કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *